News of Tuesday, 11th August 2026
રિલાયન્સનું મિશન યુનિફોર્મઃ જામનગર-જૂનાગઢની ૬૩ શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષથી ચાલી રહેલા મિશન યુનિફોર્મનો આ વર્ષે જામનગરના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાબેનના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર અને જૂનાગઢ જિલ્લાની મળી કુલ ૬૩ સરકારી પ્રાથમિક શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓ મિશન યુનિફોર્મથી લાભાન્વિત થયા છે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાબેનના હસ્તે તાજેતરમાં મોટી ખાવડીની સરકારી પ્રાથમિક કન્યા-કુમાર શાળાના વિદ્યાર્થીઓને પ્રતીકરૂપે યુનિફોર્મ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે જણાવ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ૧૪૦ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સીવણની વ્યવસાયલક્ષી તાલીમ આપી હતી. જેમણે પ્રારંભિક તબક્કે મોટી ખાવડીની સરકારી કન્યા શાળાની ૪૦૦ વિદ્યાર્થિનીઓ માટે યુનિફોર્મ તૈયાર કરવાની શરૂઆત કરી આત્મનિર્ભરતા કેળવી હતી. આ પહેલ આજે પાંચ વર્ષના ટૂંકાગાળામાં વિસ્તરીને જામનગર જિલ્લાની ૫૭ અને જૂનાગઢ જિલ્લાની ૬ મળી કુલ ૬૩ સરકારી પ્રાથમિક શાળાના ૧૧ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે. તેમણે ઉમેર્યું કે, આ સફળતા પાછળ સ્વાશ્રય જૂથની તાલીમાર્થી મહિલાઓની મહેનતની સાથોસાથ તેમના પરિવારજનોનો સહયોગ પણ એટલો જ મહત્વપૂર્ણ રહ્યો છે.
જયારે, ઉપસ્થિત વિશાળ વિધાર્થી વર્ગને સંબોધતાં જિલ્લા વિકાસ અધિકારીએ તમામને નિયમિત શાળાએ હાજરી આપવા, ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા અને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો હાંસલ કરવા સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
