News of Monday, 10th August 2026
જામનગર જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩ ઓગસ્ટના રોજ રણમલ તળાવ ગેટ-૧ થી રણજીતનગર સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી યોજાશે : તા.૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની શહેરના ટાઉનહોલ ખાતે ભવ્ય ઉજવણી કરાશે
હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે કલેકટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ : વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત ટાઉનહોલથી લીમડા લેન થઈ લાલ બંગલો સર્કલ સુધી વિશાળ કેન્ડલ માર્ચ રેલી : જિલ્લાના નાગરિકોને તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી થવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૦ : સમગ્ર રાજ્યની સાથે જામનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેના સુચારૂ આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન, જામનગર ખાતે કલેકટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જામનગર જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો સંદર્ભે વિગતો આપતા જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી તા.૧૭ ઑગસ્ટ સુધી સમગ્ર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન ઉત્સાહભેર ઉજવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તા.૧૩/૦૮/૨૦૨૬ના રોજ મહાનુભાવોની ઉપસ્થિતમાં સાંજે ૦૪.૩૦ કલાકથી રણમલ તળાવ ગેટ-૧ થી શરૂ થઈ રણજીતનગર સરદાર પટેલ સ્ટેચ્યુ અને ત્યાંથી પરત ફરી સંપન્ન થશે.ઉપરાંત, જિલ્લાના તમામ તાલુકા મથકો અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વ્યાપક લોકભાગીદારી સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.
વધુમાં વિગતો ઉમેરતા કલેકટરશ્રીએ કહ્યું કે, જિલ્લામાં યોજાનારા તમામ કાર્યક્રમોમાં વંદે માતરમના અધિકૃત સ્વરૂપનું સામુહિક ગાન કરવામાં આવશે. તા.૦૯/૦૮/૨૦૨૬ થી ૧૭/૦૮/૨૦૨૬ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા રેલીનું આયોજન કરાશે. શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સ્વાતંત્ર્ય સંગ્રામ આધારિત વક્તૃત્વ, ચિત્ર તથા રંગોળી સ્પર્ધાઓ યોજાશે. અભિયાન દરમિયાન જિલ્લાની સરકારી કચેરીઓને આકર્ષક રોશનીથી સુશોભિત કરવામાં આવશે. જિલ્લાના નાગરિકો 'Selfie With Tiranga' ડિજિટલ અભિયાન અંતર્ગત તિરંગા સાથે સેલ્ફી લઈ Harghartiranga.com વેબસાઈટ પર અપલોડ કરે તે માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.
વધુમાં કલેકટરશ્રીએ ઉમેર્યું કે, ભારતના વિભાજન દરમિયાન લાખો લોકોએ સહન કરેલી પીડા, આઘાત, સ્થળાંતર અને બલિદાનનું સ્મરણ થાય તે હેતુથી તા.૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ભારતના વિભાજનની ઐતિહાસિક ઘટનાઓ અને સંઘર્ષની ગાથાઓને દર્શાવતું વિશેષ પ્રદર્શન તથા નાટીકા શહેરના ટાઉનહોલ ખાતે યોજાશે.તેમજ શહેરના ટાઉનહોલ થી લીમડા લેન થઈ લાલ બંગલો સર્કલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી સાંજે ૭.૦૦ કલાકથી વિશાળ કેન્ડલ માર્ચ રેલીનું પણ આયોજન કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમોમાં જામનગરના નાગરિકોને ઉત્સાહભેર ભાગ લેવા ઉપરાંત જિલ્લાની શાળા-કોલેજોમાં યોજાનાર ઓનલાઈન ક્વિઝ સ્પર્ધામાં વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવો અનુરોધ કલેકટરશ્રીએ કર્યો હતો.
આ બેઠકમાં ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, મ્યુનિસિપલ કમિશ્નર દીપેશ કેડીયા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, ડો.વિનુભાઈ ભંડેરી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
