<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

એક રાખી ફોજી કે નામ અભિયાનને જામનગરમાં ફરીથી વેગ મળશે

દેશની સરહદે ફરજ બજાવતા જવાનોને મોકલશે રાખડી, મહિલા સંસ્‍થાઓને પણ જોડાવા આહ્વાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: દેશની સરહદો પર પરિવારથી દૂર રહીને દેશની રક્ષા માટે ફરજ બજાવતા સૈનિકો સાથે રક્ષાબંધનના પવિત્ર તહેવારની લાગણીસભર ઉજવણી કરવાના હેતુથી જામનગરમાં છેલ્લા દશ વર્ષથી ચાલી રહેલું ‘એક રાખી ફોજી કે નામ' અભિયાન આ વર્ષે અગિયારમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જામનગરની બહેનો દ્વારા સીમા પર ફરજ બજાવતા જવાનો માટે રાખડીઓ મોકલવામાં આવશે.

મહિલા અગ્રણી તથા પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્‍પલબેન રાવલ અને ભારત તિબબત સંઘ મહિલા વિભાગ જામનગર દ્વારા છેલ્લા દશ વર્ષથી ‘એક રાખી ફોજી કે નામ' અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ત્‍યારે વધુમાં વધુ બહેનો અને મહિલા સંસ્‍થાઓ આ અભિયાનમાં જોડાય અને દેશના જવાનો સુધી બહેનના પ્રેમની રાખડી અને તેમનો રક્ષાબંધન પર સંદેશો ( હિન્‍દી અથવા અંગ્રેજી ભાષામાં) પહોંચાડે તે માટે ડિમ્‍પલબેન રાવલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

અભિયાન અંતર્ગત જામનગરની બહેનો, વિવિધ મહિલા સંસ્‍થાઓ તથા અન્‍ય સામાજિક સંસ્‍થાઓને પણ જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્‍યું છે. બહેનો દ્વારા મોકલવામાં આવેલી રાખડીઓ સરહદ પર દેશની રક્ષા કરતા જવાનો સુધી પહોંચાડવામાં આવશે.

અભિયાનના આયોજક ડિમ્‍પલબેન રાવલ અને ભારત તિબબત સંઘ મહિલા વિભાગ જામનગર દ્વારા જામનગરની બહેનોને વધુમાં વધુ સંખ્‍યામાં રાખડી મોકલી આ અનોખા સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને એવી બહેનો કે જેઓ પોતાના ભાઈને રાખડી બાંધી શકતી નથી અથવા દેશના જવાનોને પોતાના ભાઈ સમાન માનીને રક્ષાબંધનની લાગણી વ્‍યક્‍ત કરવા માંગે છે, તેઓ આ અભિયાનમાં જોડાઈ શકે છે.

અભિયાનમાં જોડાવા ઇચ્‍છતી બહેનો દ્વારા ૨૦ ઓગસ્‍ટ સુધી રાખડી મોકલી શકાશે. રાખડી મોકલતી વખતે કવર ઉપર ટપાલ ટિકિટ લગાવવાની કે રોકડ રકમ મોકલવાની જરૂર નથી. રાખડી જવાનો સુધી પહોંચે તે માટે આયોજકો દ્વારા જરૂરી વ્‍યવસ્‍થા કરવામાં આવશે.

રાખડી મોકલવા અથવા અભિયાન અંગે વધુ માહિતી મેળવવા માટે ડિમ્‍પલબેન રાવલનો સંપર્ક નંબર ૯૪૦૮૯૮૯૮૯૧ પર સંપર્ક કરી શકાશે.

રાખડી સ્‍વીકારવા માટે ડિમ્‍પલબેન રાવલ નોબત પ્રેસની સામે, પંચેશ્વર ટાવર રોડ, બેડી ગેઇટ, જામનગર ખાતે સાંજે ૬થી ૭ વાગ્‍યા દરમિયાન સંપર્ક કરી શકાય છે.

(12:30 PM IST)