તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 10th August 2026
‘વિકસિત ભારત'ના નિર્માણમાં યુવાશક્તિની સક્રિય ભાગીદારી જરૂરીઃ ડો. મનસુખભાઈ માંડવિયા
‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત'ની થીમ હેઠળ ભાવનગર યુનિવર્સિટીમાં ‘માય ભારત યુવા સંવાદ': યુવાશક્તિના સામર્થ્યથી ‘વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા કેન્દ્રીય મંત્રીનુ યુવાનોને આહ્વાન : યુવા દેશની શક્તિ છે,યુવાની માત્ર ઉંમર નથી, પરંતુ વિચાર, ઊર્જા અને પરિવર્તન લાવવાની ક્ષમતા છે,શિક્ષણથી જ્ઞાન, સંસ્કારથી વિચાર અને સંકલ્પથી કાર્યશક્તિ પ્રાપ્ત કરી યોગ્ય દિશામાં આગળ વધજો, ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિહજી યુનિવર્સિટીના કુલપતિ ડો.ભરતભાઈ રામાનુજનુ આહવાન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦: ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિહજી યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત'ની થીમ હેઠળ ‘માય ભારત યુવા સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના અટલ ઓડિટોરીયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા અને યુનિવર્સિટીના કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજની ઉપસ્થિતિમાં યુવાનો સાથે વિવિધ વિષયો પર પ્રેરણાદાયી સંવાદ યોજાયો હતો.
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સીધો સંવાદ સાધી તેમના વિચારો, અનુભવો અને ભાવિ લક્ષ્યો અંગે જાણકારી મેળવી હતી. તેમણે યુવાનોને પોતાની ક્ષમતા, જ્ઞાન અને ઊર્જાનો ઉપયોગ વ્યક્તિગત પ્રગતિની સાથે રાષ્ટ્રના વિકાસ માટે કરવાની પ્રેરણા આપી હતી.
યુવાનોને સંબોધતાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, ‘‘યુવાશક્તિ અને શ્રમશક્તિ ભારતની સૌથી મોટી તાકાત છે.'' ભારતની મોટી વસ્તી ૩૫ વર્ષ કે તેથી ઓછી વયની છે ત્યારે યુવાનોને યોગ્ય દિશા, તક અને સંકલ્પ મળે તો તેઓ દેશના વિકાસને નવી ગતિ આપી શકે છે. યુવાશક્તિના સામર્થ્યને યોગ્ય દિશા આપી તેનો રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરવો એ ‘વિકસિત ભારત'ના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
પોતાના વિદ્યાર્થીજીવનનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિહજી ભાવનગર યુનિવર્સિટીના અનુસ્નાતક તથા પીએચ.ડી.ના તેઓ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. પોતાની શૈક્ષણિક કારકિર્દી સાથે ગાઢ રીતે જોડાયેલી યુનિવર્સિટીમાં યુવાનો સાથે સંવાદ કરતાં કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે, ‘‘યુવા દેશની શક્તિ છે; યુવાની માત્ર ઉંમર નથી, પરંતુ વિચાર, ઊર્જા અને પરિવર્તન લાવવાની ક્ષમતા છે.'' તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણથી જ્ઞાન, સંસ્કારથી વિચાર અને સંકલ્પથી કાર્યશક્તિ પ્રાપ્ત કરી યોગ્ય દિશામાં આગળ વધવા જણાવ્યું હતું. પોતાના વ્યક્તિત્વના વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસમાં પણ સક્રિય ભાગીદાર બનવા તેમણે યુવાનોને આહ્વાન કર્યું હતું.
‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત'ના સંદેશને આત્મસાત કરતાં કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ ગ્રહણ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું એન્કરિગ અને સંચાલન ડો. હિમલભાઈ પંડ્યાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમાર સિહજી ભાવનગર યુનિવર્સિટીના અધિકારીઓ, રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના અધિકારીઓ તેમજ યુનિવર્સિટીના રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.(માહિતી બ્યુરો,ભાવનગર)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
