<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં પૂ.મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વંદે માતરમ્–રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ

'વંદે માતરમ્’ની ભાવના અન્ય સ્થળોએ પણ પ્રસરે : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી: વંદે માતરમ્’નું ગાન જ નહીં, તેનું ભાન પણ જીવનમાં રહે : પૂ. મોરારીબાપુ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણીના ભાગરૂપે તા. ૯થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાનારા ‘વંદે માતરમ્–રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પૂ. મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આજે પ્રારંભ થયો હતો. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી,કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજ  તથા પદ્મશ્રી ડૉ. વિષ્ણુ પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

   કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સાત દિવસીય રાષ્ટ્રવંદના સપ્તાહના અનોખા આયોજન બદલ યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રભાવનાને નવી પેઢી સાથે જોડતું આવું આયોજન પ્રશંસનીય છે અને ‘વંદે માતરમ્’ની ભાવના તથા રાષ્ટ્રપ્રેમનો આ સંદેશ અન્ય સ્થળોએ પણ પ્રસરે તે આવશ્યક છે.
કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે, પોતાના કાર્યને નાનું કે મોટું ન ગણતાં તેને નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવું એ જ સાચી રાષ્ટ્રવંદના છે. વીજળી અને પાણીની બચત, પર્યાવરણનું જતન તથા પોતાની જવાબદારીનું પ્રમાણિકતાપૂર્વક પાલન જેવા નાનામાં નાના પ્રયાસો પણ દેશસેવાનું સ્વરૂપ છે. વિદ્યાર્થીઓ સહિત દરેક વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં આવી જવાબદારી નિભાવે તો તે રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન બની શકે છે.
 પૂ. મોરારીબાપુએ અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રાજ્ય રાષ્ટ્રને સમર્પિત કરનાર પુણ્યશ્લોક મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા. તેમણે વેદમાતા, ગંગામાતા, ગૌમાતા અને જનની જન્મભૂમિ પ્રત્યેની કૃતજ્ઞતા જીવનમાં જાળવી રાખવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ્’નું માત્ર ગાન જ નહીં, પરંતુ તેનું ભાન પણ કાયમ રહેવું જોઈએ. વ્યક્તિ પોતાના વિચાર, ઉચ્ચાર, આચાર, વ્યવહાર અને વિહાર પર સંયમ રાખે તો તેનું જીવન પણ રાષ્ટ્રસેવાનું માધ્યમ બની શકે છે.
પદ્મશ્રી ડૉ. વિષ્ણુ પંડ્યાએ ‘વંદે માતરમ્’ ગીતની રચના અને તેના ઐતિહાસિક સંદર્ભો સાથે સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેની પ્રેરણાદાયી ભૂમિકા તથા ગુજરાત અને ગુજરાતીઓના યોગદાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે  સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ દ્વારા શ્રી વિહિત પાઠકના નિદર્શન હેઠળ તૈયાર કરાયેલા રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત લોકવાદ્યવૃંદની ભાવસભર પ્રસ્તુતિ વિદ્યાર્થી કલાકારોએ કરી હતી.
કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડૉ. શક્તિસિંહ પરમાર અને ડૉ. ધૃતિ પંડ્યાએ કર્યું હતું.
‘વંદે માતરમ્’ રાષ્ટ્રવંદના સપ્તાહ અંતર્ગત રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યોને ઉજાગર કરતાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(7:13 PM IST)