<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

સુરેન્દ્રનગરમાં વરસાદ વિરામ છતાં જળબંબાકારની સ્થિતિ: ૨૮૦ થી વધુ ખુલ્લા પ્લોટ તળાવમાં ફેરવાયા, ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ!

વરસાદ બંધ થયાના એક સપ્તાહ બાદ પણ રતનપર અને દૂધરેજ રોડ પર પાણીનો નિકાલ નહીં; મનપા દ્વારા માત્ર નોટિસો આપી સંતોષ મનાતા સ્થાનિકોમાં રોષ!

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં પડેલા મૂસળધાર વરસાદે વિરામ લીધાને આશરે એક અઠવાડિયું વિતી જવા છતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જૈસે થે જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૮૦ થી વધુ ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા આ પ્લોટો હાલ નાના તળાવોમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે આસપાસના રહીશોમાં મચ્છરોનો ઉપદ્રવ વધવા સાથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.

 

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના રતનપર, દાળમિલ રોડ તેમજ દૂધરેજ રોડ જેવા મુખ્ય અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ વણસી છે. અઠવાડિયાથી ભરાયેલા ગંદા પાણીમાંથી દુર્ગંધ મારવા લાગી છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર પ્લોટ ધારકોને નોટિસો આપીને પોતાની જવાબદારીમાંથી સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ સ્થળ પરથી પાણીના નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

 

ચોમાસાની સીઝનમાં સતત પાણી ભરાઈ રહેવાને કારણે માખી અને મચ્છરોના દૂષણથી ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગચાળાનો ખતરો વધી ગયો છે. નગરજનો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પંપ મૂકીને પાણીનો નિકાલ કરવા તેમજ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ મોટા આરોગ્ય વિષયક સંકટથી બચી શકાય.

(10:52 PM IST)