તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
ગીર સોમનાથમાં હનીટ્રેપ ગેંગનો ચોંકાવનારો પર્દાફાશ: સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવી ડ્રગ્સ કેસની ધમકી આપી લાખો રૂપિયા પડાવનાર મહિલા સૂત્રધાર સહિત ૫ ઝબ્બે!
નકલી પોલીસ બની આધેડ પાસેથી ₹૨.૦૫ લાખની ખંડણી ઉઘરાવી; કાજલ ઉર્ફે ભૂરી સહિતના સાગરિતો જેલભેગા, ફરાર અન્ય ૩ આરોપીઓને પકડવા ગીર ગઢડા પોલીસના ચક્રો ગતિમાન!

ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી, નકલી પોલીસ બનીને ડ્રગ્સ કેસમાં જેલભેગા કરી દેવાની ધમકી આપી લાખો રૂપિયા સેરવી લેતી એક શાતિર હનીટ્રેપ ગેંગનો ગીર ગઢડા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ તોડકાંડમાં સંડોવાયેલી મુખ્ય મહિલા સૂત્રધાર સહિત કુલ ૫ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય ૩ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટનાની વિગત મુજબ, ગીર સોમનાથના એક આધેડ વ્યક્તિ સાથે ગત ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વોટ્સએપ મારફતે 'શિવાની પટેલ' નામની મહિલાએ સંપર્ક સાધ્યો હતો. થોડા દિવસો સુધી મીઠી-મીઠી વાતો કરીને મિત્રતા કેળવ્યા બાદ મહિલાએ આધેડને ગીરગઢડાના દ્રોણેશ્વર ખાતે મળવા બોલાવ્યા હતા. ત્યારબાદ મહિલાએ આધેડને પોતાની બાઈક પર ધોકડવા તરફ મૂકી જવાનું કહ્યું હતું. આધેડ મહિલાને બાઈક પાછળ બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે અંબાડા ગામના પાટિયા પાસે એક કાળા રંગની ફોર-વ્હીલ કારે તેમનો રસ્તો રોક્યો હતો.
કારમાંથી ઉતરેલા ચાર શખસોએ પોતે પોલીસ હોવાની નકલી ઓળખ આપીને આધેડને ધમકાવવાનું શરૂ કર્યું હતું. બદમાશોએ આધેડનો ફોન અને બાઈકની ચાવી છીનવી લીધી હતી તથા ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બળજબરીપૂર્વક રૂ. ૨,૦૫,૦૦૦ ની ખંડણી વસૂલી લીધી હતી. આ ઘટના બાદ ભોગ બનેલા આધેડે હિંમત દાખવીને ૮ આરોપીઓ સામે ગીર ગઢડા પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ગીર ગઢડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સૌપ્રથમ કાર્તિક સોલંકી અને ચિરાગ જાદવને ઝડપી લીધા હતા. તેમની કડક પૂછપરછ બાદ આ રેકેટની મુખ્ય સૂત્રધાર કાજલ ઉર્ફે ભૂરી, દિવ્યેશ વાઢેળ અને દિલીપ ઝાલા નામના વધુ ત્રણ આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા છે. પોલીસે જપ્ત કરેલા સાધનો અને આરોપીઓની કડક પૂછપરછના આધારે બાકીના ફરાર ૩ આરોપીઓને પકડવા કવાયત તેજ કરી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
