<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અમરેલીના પીપરીયા ગામે નિર્માણધીન રામજી મંદિર માટે પૂ. મોરારિબાપુ દ્વારા રૂ. ૫૦ હજારની સહાય અર્પણ : રાજીપો વ્યક્ત કરાયો

સરપંચ વિજયભાઈ જોશી સહિતના પ્રતિનિધિ મંડળે તલગાજરડા ખાતે બાપુના આશીર્વાદ સાથે સહયોગ સ્વીકારી આભાર વ્યક્ત કર્યો

ખાંભા: સેવા એ જ સાધના અને કરુણા એ જ ધર્મની ભાવનાને સાર્થક કરતા સુપ્રસિદ્ધ માનસ મર્મજ્ઞ કથાકાર પૂ. મોરારિબાપુ દ્વારા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પીપરીયા ગામે આકાર લઈ રહેલા નૂતન રામજી મંદિર નિર્માણ કાર્ય માટે તુલસી પત્ર રૂપે રૂ. ૫૦,૦૦૦ ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી છે. પૂ. બાપુનું આ પ્રદાન માત્ર આર્થિક સહયોગ નથી, પરંતુ રામકાજ અને સમાજ સેવા પ્રત્યેની તેમની અગાધ શ્રદ્ધા અને સમર્પણનું ઉત્કૃષ્ટ પ્રતીક છે.

 

પૂ. મોરારિબાપુ હંમેશાં રામકથાના માધ્યમથી 'સત્ય, પ્રેમ અને કરુણા'નો સંદેશ આપતા રહ્યા છે, ત્યારે આ પાવન મંદિર નિર્માણના કાર્યમાં તેમનું આ યોગદાન સમગ્ર શ્રદ્ધાળુ સમાજ માટે પ્રેરણાસ્રોત બન્યું છે. મંદિર નિર્માણ માટે પૂ. બાપુ દ્વારા આપવામાં આવેલા સહયોગ અને દર્શાવેલા રાજીપાથી સમગ્ર ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.

 

આ ઉદાત્ત પ્રદાન સ્વીકારવા અને પૂ. બાપુના આશીર્વાદ મેળવવા માટે પીપરીયા ગામના પ્રતિનિધિ મંડળમાં સરપંચ વિજયભાઈ જોશી, ગ્રામ પંચાયત સદસ્ય ચાપરાજભાઈ વાળા તેમજ ગામના અગ્રણીઓ લાલજીભાઈ ઢોલરિયા અને કિશોરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ સહયોગ સ્વીકારીને પૂ. બાપુનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી. આ તકે અગ્રણીઓએ જણાવ્યું હતું કે જેમ સાગરમાં સરિતાઓ ભળે તેમ સેવાકાર્યમાં સંતોના આશીર્વાદ ભળે ત્યારે કાર્ય સિદ્ધ અને પાવન બને છે. પૂ. બાપુએ પણ રામજી મંદિરના નિર્માણ કાર્ય અંગે ઘણો રાજીપો વ્યક્ત કર્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)

(11:40 AM IST)