<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર હવામાન

ધોધમાર વરસાદની રાહ વચ્‍ચે સામાન્‍ય વરસતા જાપટા

રાજકોટ તા. ૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર હવામાન યથાવત છે અને આવા વાતાવરણ વચ્‍ચે ધોધમારના બદલે હળવા ઝાપટા વરસી જાય છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ  જૂનાગઢમાં જોરદાર મેઘાવી માહોલ વચ્‍ચે ઝાપટા શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

છેલ્લા ચાર દિવસથી મેઘરાજા આરામ ફરમાવી રહ્યા છે ત્‍યારે આજે સવારે જુનાગઢ સહિત આસપાસના વિસ્‍તારોના વાતાવરણમાં પલટો આવ્‍યો હતો અને આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું. સવારે ૯ વાગ્‍યાની આસપાસ ભારે વરસાદનું ઝાપટું વરસી જતા માર્ગો ભીના થયા હતા.

જૂનાગઢની સાથે સાથે ભવનાથ અને ગિરનાર વિસ્‍તારમાં પણ હળવો વરસાદ હોવાના સમાચાર પ્રાપ્‍ત થયા હતા.

સવારે વરસાદ થતાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જુનાગઢ સિવાય જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં નોંધપાત્ર વરસાદના વાવડ મળ્‍યા નથી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ માહિતી મુજબ લઘુતમ તાપમાન ર૭.૭, મહતમ ૩૩.૮, હવામાં ભેજ ૭૬ ટકા અને પવનની ગતિ ૧૪ કિ.મી. રહી છે.

(1:29 PM IST)