<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ગોંડલના ચોરડીમાં ગૌચર જમીન પર વિજપોલનો વિરોધ

માલધારીઓ અને ગ્રામજનોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્‍યોઃ સતત ચાર દિવસ થી આંદોલન ચલાવી વિરોધ પ્રદર્શિત થઇ રહ્યો છે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૭: ગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચરની જમીનમાં વીજપોલ  ઊભા કરવાના મુદ્દે ગ્રામજનો, ખેડૂતો અને માલધારીઓએ  છેલ્લા ચાર દિવસ થી  વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગામના સ્‍મશાન નજીક આવેલી ગૌચરની જમીન પર માલઢોરના ગળામાં સૂત્રોચ્‍ચારવાળા બેનરો લગાવીને રામધૂન બોલાવવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્‍થળ પર જ ચા બનાવીને ગ્રામજનોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્‍યો હતો.

માલધારીઓ અને ખેડૂતોએ જણાવ્‍યું હતું કે, ગાયો માટેની ગૌચર જમીન છીનવાઈ રહી છે. તેમણે અમારી ગૌચર જમીન બે પગ વાળા આખલા ચરી રહ્યા છે અને અમારા ભાગની ગૌચર જમીન તો રહેવા દોઙ્ઘ જેવા સૂત્રોચ્‍ચાર સાથે આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો.

વિરોધ પ્રદર્શિત કરી રહેલા આગેવાનો  જણાવ્‍યું કે   ગોચર ની જમીન ગામની માલિકીની હોય છે અને ગ્રામ પંચાયત સર્વોપરી છે. તેમ છતાં, પંચાયત કે ખેડૂતોની મંજૂરી લીધા વિના જ કંપની દ્વારા થાંભલા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલન આગળ ધપાવવામાં આવશે.

આંદોલન સ્‍થળે જેટકો ના અધિકારીઓ સમક્ષ ગ્રામજનોએ પોતાની રજૂઆતો કરી હતી.

આગેવાન હર્ષદસિંહ ઝાલાએ આક્રોશ વ્‍યક્‍ત કરી કહ્યુ કે આ મુદ્દે આગામી તા.૨૦ નાં જીલ્લા કલેક્‍ટરે અમોને સાંભળવા બોલાવ્‍યાં છે.પરંતુ તે પહેલા જેટકો કંપની દ્વારા વિજપોલ નાખવાનું શરુ કરી મનમાની ચલાવી છે.

 વિરોધ પ્રદર્શનમાં ચોરડી ગામના સરપંચના પ્રતિનિધિ રાજભા ઝાલા, આગેવાન હર્ષદસિંહ ઝાલા, આપ નેતા જીગીષાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્‍યના પ્રતિનિધિ સંગ્રામભાઈ શિયાળ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો જોડાયા હતા.

(11:45 AM IST)