તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
સુરેન્દ્રનગરના ઓવરબ્રિજ નજીક વરસાદના ભરાયેલા પાણીમાં ડૂબી જતાં ૩ વર્ષના બાળકનું મોત

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૭: સુરેન્દ્રનગર જિલ્લામાં મોન્સૂન કામગીરી ના નામે કરોડો રૂપિયા વપરાયા પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈપણ પ્રકારની કામગીરી ન થઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે સુરેન્દ્રનગરમાં વરસાદના વિરામ ને પાંચ દિવસ જેટલો સમય વીતી ગયો છે તે છતાં પણ સુરેન્દ્રનગર શહેરના ૮૦ ફુટ રોડ ૬૦ ફૂટ રોડ અને ચામુંડાપરા વિસ્તાર મફતિયાપરા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ભરાયા છે ઓવરબ્રિજની નીચેના ભાગ રોડ રસ્તાઓ ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે વરસાદ પાણીમાં કોઈપણ પ્રકારના નિકાલ ન હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે.
વર્ષે ૭૦૦ કરોડથી વધુનું બજેટ મહાનગરપાલિકાનું છે છતાં પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ કામગીરી નથી થતી. તો રૂપિયા જાય છે કે તેની સામે પણ સવાલ છે ત્યારે હવે સુરેન્દ્રનગર શહેરમાં ભરાયેલા વરસાદી પાણી એ ત્રણ વર્ષના બાળકનો ભોગ લઈ લીધો છે સુરેન્દ્રનગર શહેરના ઓવરબ્રિજ નીચે વસવાટ કરતા પરિવારનો ૩ વર્ષનો બાળક રમતા રમતા વરસાદી પાણી ભરેલા ખાડામાં પડ્યો અને ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું છે.
અજય નામનો ત્રણ વર્ષના બાળકનું મોત નીપજતા પરિવાર ઉપર પણ આ ફાટી પડવા પામ્યો છે પરિવારમાં એક જ પુત્ર હતો અને તેનો પણ વરસાદી પાણીમાં ભરાયેલા ખાડામાં પડી જવાના કારણે મોત નીપજતા પરિવાર નોંધારો બની ગયો છે મજૂરી કામ કરી અને પોતાનું પેટીયુ રડતો આ પરિવાર ની આંખોમાં હવે રડવા સિવાય બીજો કોઈ માર્ગ નથી બચ્યો. ત્રણ વર્ષના બાળકના મોત બાદ તેને પાણી ભરાયેલા ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને તેના મળતદેહ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
તેની સાથે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પણ બોલાવી લઈ અને હાજર રાખવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન કાર્યવાહી પણ ન કરવામાં આવી અને બાળકનું પીએમ પણ કરાવવામાં ન આવ્યું. આ ઉપરાંત પીએમ કરવામાં ન આવ્યું અને બાળકના મળતદેહને ખાનગી રીક્ષા બોલાવી અને તેમાં નાખી દઈ અને માતા પિતાને તેમાં બેસાડી દઈ અને સગેવગે કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો. જે પરિવાર પાસે પોતે બે ટક જમવાના ભોજનના રૂપિયા નથી રહેવા માટે છત નથી કોઈ વ્યવસ્થા નથી તેવા પરિવારનું ત્રણ વર્ષનું બાળક મોતને ભેટીયા બાદ તંત્ર એ તેનો પણ મલાજો ન જાળવ્યો અને મધ્યરાત્રીએ ખાનગી રીક્ષા બોલાવી મળતદેહને રવાના કરવામાં આવ્યો.
જે સમય વરસાદ આવ્યો તે દરમિયાન ગણપતિ ફાટસર વિસ્તારમાં પાણી ભરાયું તે દરમિયાન મહાનગરપાલિકાના ચેરમેનો સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડનું આપવામાં આવેલું હોડકું લઈ ત્યાં પહોંચ્યા અધિકારીઓને પણ ત્યાં બોલાવ્યા ખરેખર તો જે ફસાયેલા લોકો હોય તેમને આ હોડકામાં બેસવાનું હોય તેના સ્થાને મહાનગરપાલિકાના ચેરમેનો અને હોદ્દેદારો આ હોડકામાં બેસ્યા કરી રીલો બનાવી કામગીરી કરી હોવાના સોશિયલ મીડિયામાં દાવાઓ કર્યા તે છતાં પણ ત્રણ વર્ષના બાળકનું ઓવરબ્રિજ નજીક વરસાદી પાણીના ભરાયેલા ખાડામાં પડવાના કારણે મોત થયું. આ પરિવાર નાનો છે મજૂરી કરે છે એટલે આ પરિવારનો જાણે કોઈ ન હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો તેની મુલાકાતે એક પણ પદ અધિકારીઓ ન ગયા એક બાજુ ફોટો ફેશનમાં વ્યસ્ત તો બીજી બાજુ આવી ગંભીર પરિસ્થિતિમાં લોકોની વચ્ચે ઊભા રહેવાનું ભૂલી રહ્યા છે જેના મદદથી જીત્યા તેનો પણ ઉદ્ધાર કરવા આ નેતાઓ નથી વિચારી રહ્યા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વરસાદ એ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે ૭૦૦ કરોડ વપરાયા પણ ત્યાં વપરાયા તેની સામે સવાલ છે ત્યારે રોડ રસ્તા ધોવાયા છે અને વરસાદી પાણી ભરાયેલા છે ખરાબ રોડ રસ્તા રીપેરીંગ નથી કરવામાં આવતા જેને લઈને રોજ કમર તોડ ખાડાઓમાં લોકો પડે છે અને હાડકા ભાંગે છે પરંતુ હવે આ કમર તોડ ખાડાઓમાં પાણી પણ ભરાયેલી હાલતમાં છે. તેમાં પડવાના કારણે બાળકો મોતને ભેટી રહ્યા છે.
ત્યારે હવે માનવતા હોય તો કમિશનર અને કલેક્ટર જાગે અને આ અંગે કામગીરી કરાવે નહિતર સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
