News of Thursday, 6th August 2026
અમરેલી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન અને વ્યાપક તપાસ: શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા
રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા એનાલોગ પનીર, બટર અને ચીઝના ગેરકાયદેસર વેચાણ સામે ઝુંબેશ

રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા એનાલોગ પનીર, બટર અને ચીઝના ગેરકાયદેસર વેચાણ સામે અમરેલી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન અને વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે, જેના કારણે ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓમાં હડકંપ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિશેષ ટીમે અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી નાની-મોટી ડેરીઓ, દૂધ વિતરણ કેન્દ્રો અને મીઠાઈની દુકાનો પર અચાનક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન અધિકારીઓએ દુકાનોમાં રાખવામાં આવેલા પનીર, ચીઝ, બટર અને અન્ય ડેરી ઉત્પાદનોના જથ્થાની ઝીણવટભરી ચકાસણી કરી હતી. એનાલોગ ફૂડ એટલે કે અસલી દૂધ કે ફેટ વગર વનસ્પતિ તેલ અને કેમિકલથી બનાવવામાં આવતી નકલી બનાવટો બજારમાં વેચાઈ રહી છે કે નહીં, તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી.
અધિકારીઓએ સ્થળ પરથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ એકત્રિત કર્યા છે, જેને વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્રની આ અચાનક અને આક્રમક કાર્યવાહીને પગલે શહેરના ડેરી અને મીઠાઈના વેપારીઓમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો છે. અનેક વેપારીઓ પોતાની દુકાનોના શટર બંધ કરીને જતા રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ શખ્સ કે વેપારીને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આ તપાસ અભિયાન વધુ વ્યાપક બનાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કાયદેસરની સખત કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
