તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
સોશિયલ મીડિયા પર ફોલોવર્સ વધારવા માટે બજરંગદાસ બાપાના ફોટા અવનવી ડિઝાઇનમાં વાયરલ કરતા બગદાણા આશ્રમની ભારે નારાજગી
આશ્રમે સ્પષ્ટ કર્યું છે કે અવતારી પુરુષ બાપાએ આખી જિંદગી માત્ર રામ નામની ભક્તિ કરી છે: AI ટેકનોલોજીની મદદથી તેમની તસવીરોનો દુરુપયોગ કરતી પોસ્ટ્સ સોશિયલ મીડિયામાં શેર ન કરવા માટે તમામ ભક્તો અને યુઝર્સને વિશેષ અપીલ

સોશિયલ મીડિયાના આજના યુગમાં લાઈક્સ અને ફોલોવર્સ વધારવા માટે વિવિધ ધાર્મિક મહાપુરુષો અને સંતોની છબીઓનો દુરુપયોગ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. તાજેતરમાં બાપા સીતારામ એટલે કે સંત શિરોમણી બજરંગદાસ બાપાના ફોટોના સોશિયલ મીડિયા પર થઈ રહેલા અયોગ્ય ઉપયોગને લઈને બગદાણા આશ્રમ દ્વારા ગંભીર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આશ્રમ દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર બાપાના ફોટાનો મનસ્વી કે અવનવી ડિઝાઇનમાં ઉપયોગ કરવો નહીં.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બજરંગદાસ બાપાના ફોટો અને વીડિયો અવનવી ડિઝાઇનમાં બનાવીને વાયરલ કરવામાં આવી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા બગદાણા આશ્રમે જણાવ્યું છે કે બજરંગદાસ બાપા એક મહાન અવતારી પુરુષ હતા અને તેમણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર રામ નામ સાથે ભક્તિ અને માનવસેવા કરી હતી.
આશ્રમના અગ્રણીઓએ શ્રદ્ધાળુઓ અને પેજ સંચાલકોને અનુરોધ કર્યો છે કે સોશિયલ મીડિયા પર પ્રખ્યાતિ મેળવવા કે ફોલોવર્સ વધારવા માટે બાપાની પવિત્ર છબી સાથે ચેડાં કરતી આવી પોસ્ટ્સ શેર કરવાનું ટાળવું જોઈએ. બાપાની ગરિમાને ઠેસ પહોંચાડતી આવી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી કડક અપીલ આશ્રમ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને તમામ ભક્તોમાં પણ જાગૃતિ ફેલાઈ રહી છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
