તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
જામનગરમા 'નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત' કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી : ૧૫૦થી વધુ યુવાનોએ વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ મારફતે નશા મુક્તિનો સંદેશ આપ્યો
યુવાનોને નશા જેવી સામાજિક બુરાઈથી દૂર રહી શિક્ષણ, સુસંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપવા અનુરોધ કરતા જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ : મેરા યુવા ભારત, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જામનગર ખાતે આવેલ SVET કોલેજ પરિસરમાં "નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત" વિષય આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી યુવાધનને માદક પદાર્થો અને નશાના દૂષ્પ્રભાવો વિશે જાગૃત કરવાની સાથે તેમને સ્વસ્થ તથા સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદેથી સંબોધન આપતાં જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ જણાવ્યુ હતું કે, નશામુક્ત અને સશક્ત યુવાધનની ઊર્જા જ 'વિકસિત ભારત'ના નિર્માણનો મજબૂત પાયો બની શકે છે.તેમણે યુવાનોને નશા જેવી સામાજિક બુરાઈથી દૂર રહી શિક્ષણ, સુસંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ જાગૃતિ અભિયાન અંતર્ગત યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને મંચ પૂરો પાડવાના આશયથી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ૧૫૦થી વધુ યુવા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.પ્રતિભાગીઓએ લોકગીત, સમૂહ નૃત્ય, નુક્કડ નાટક/માઇમ, ચિત્રકલા, વાદ-વિવાદ, શોર્ટ ફિલ્મ/રીલ મેકિંગ, સૂત્રલેખન તથા સ્લેમ પોએટ્રી જેવી સ્પર્ધાઓ મારફતે પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરવાની સાથે સમાજમાં નશા મુક્તિ અંગેનો અસરકારક સંદેશ પહોંચાડ્યો હતો.
સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા યુવાનોને મેરા યુવા ભારત, જામનગરના જિલ્લા યુવા અધિકારી વિશાલ નાગરાલેના હસ્તે પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના સફળ આયોજન બદલ મેરા યુવા ભારત, જામનગર દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવો, સ્પર્ધકો, સહભાગી શિક્ષણ સંસ્થાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
