તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર ૩ (અંજાર) (પ્રથમ વારીડ) ને સુધારા સાથે રાજ્ય સરકારની આખરી મંજૂરી
ગાંધીનગર સચિવાલયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડાયું : સુધારેલી પ્રિલિમિનરી સ્કીમ અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી ખાતે જાહેર જનતાના નિરીક્ષણ માટે ખુલ્લી મુકાશે

ગાંધીનગર: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 'ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૭૬' ની કલમ ૬૫ હેઠળ એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન (નંબર GH/V/150 of 2026/UDUHD/TPS/e-file/18/2026/0631/L) અંતર્ગત અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર ૩ (અંજાર) (૧લી વારીડ) ને ચોક્કસ સુધારા-વધારા સાથે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી અર્પણ કરવામાં આવી છે.
તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતેથી બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાની વિગત મુજબ, અગાઉ તારીખ ૨૧ ઓક્ટોબર ૨૦૨૨ ના જાહેરનામા (નંબર GH/V/180 of 2022/TPS-292021-3675-L) હેઠળ કલમ ૪૮(૨) અનુસાર ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ કલમ ૫૦ હેઠળ નિમાયેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા કલમ ૫૨(૨) અને કલમ ૬૪ હેઠળ તૈયાર કરીને રજૂ કરાયેલી પ્રિલિમિનરી સ્કીમને હવે કલમ ૬૫ ની સત્તાની રૂએ બિડાણમાં દર્શાવેલા સુધારા સાથે મંજૂર કરવામાં આવી છે.
જાહેરનામા સાથે જોડાયેલા પરિશિષ્ટ (Schedule) માં સ્કીમ અંતર્ગત મહત્વના ફેરફારો સૂચવવામાં આવ્યા છે:
૧. પ્લાનમાં દર્શાવેલ "૬૫૦/૧ (રહેણાંક હેતુ માટે)", "૬૫૦/૨ (સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેણાંક માટે)" અને "૬૫૦/૩ (સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેણાંક માટે)" ના શબ્દો અને આંકડાઓને રીડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટ મુજબ સુધારીને અનુક્રમે "૬૫૦/૧ (રહેણાંક હેતુનાં વેચાણ માટે)", "૬૫૦/૨ (સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના રહેણાંક માટે)" અને "૬૫૦/૩ (સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના રહેણાંક માટે)" કરવામાં આવ્યા છે.
૨. કેસ નંબર ૧ ના રીડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટની કોલમ નંબર ૫ માં દર્શાવેલ આંકડા "૪-એમ+૪-જે+૪સી" ને બદલે પ્લાનમાં દર્શાવ્યા મુજબ "૪/એમ+૪/જે+૪/સી" થી બદલવામાં આવ્યા છે.
૩. સ્કીમ બુકના પેજ નંબર ૨૭ અને ૩૯ પર દર્શાવેલા ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સને બદલે "શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૨.૧૦.૨૦૧૭ ના જાહેરાનામા ક્રમાંક: જીએચ/વી/૨૬૯ ઓફ ૨૦૧૭/ઈડીબી-૧૦૨૦૧૬-૩૬૨૯-એલ થી મંજૂર અમલી સંકલિત" નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
સરકાર દ્વારા સુધારેલી આ પ્રિલિમિનરી સ્કીમ અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી ખાતે કામકાજના દિવસો અને સમય દરમિયાન જાહેર જનતાના નિરીક્ષણ માટે ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
