<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

વાંકાનેરના ચંદ્રપુરમાં સ્‍ટાર પ્‍લાઝા કોમ્‍પ્‍લેક્‍સની ૨૪૦થી વધુ દુકાનો સીલઃ ફાયર સેફ્‌ટીના અભાવે કાર્યવાહી

નોટિસો દુકાનદારો સુધી પહોંચી નહીં હોવાનો આક્ષેપઃ બિલ્‍ડર સામે કાયદાકીય કાર્યવાહીનો મૂડ, જવાબદારી અંગે ઉઠ્‍યા પ્રશ્‍નોઃ દુકાનદારોમાં રોષ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેરઃ  તા. ૬, તાલુકાના ચંદ્રપુર ખાતે આવેલા સ્‍ટાર પ્‍લાઝા કોમ્‍પ્‍લેક્‍સમાં ફાયર સેફ્‌ટીના જરૂરી સાધનો અને નિયમોનું પાલન ન થવાના આક્ષેપોને આધારે રાજકોટ, મોરબી અને હળવદ ફાયર સેફ્‌ટી વિભાગની સંયુક્‍ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કોમ્‍પ્‍લેક્‍સની અંદાજે ૨૪૦થી વધુ દુકાનોને સીલ મારવામાં આવી હતી, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.

તંત્રના જણાવ્‍યા મુજબ અગાઉ ફાયર સેફ્‌ટી નિયમોના પાલન માટે નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે સ્‍થળ પર હાજર દુકાનદારોએ દાવો કર્યો હતો કે તેમને વ્‍યક્‍તિગત રીતે કોઈ નોટિસ મળી નહોતી. તેમનું કહેવું છે કે નોટિસ બિલ્‍ડર અથવા કોમ્‍પ્‍લેક્‍સ ડેવલપરને આપવામાં આવી હતી, જેના કારણે વર્ષો પહેલા દુકાનો ખરીદનારા વેપારીઓ આ સમગ્ર પ્રક્રિયાથી અજાણ રહ્યા.

દુકાનદારોના કહેવા મુજબ લાખો રૂપિયાની મૂડી રોકીને દુકાનો ખરીદ્યા બાદ પણ આજે તેમની રોજીરોટી પર સંકટ ઊભું થયું છે. અનેક વેપારીઓનું માનવું છે કે જો ફાયર એનઓસી અથવા અન્‍ય કાનૂની પ્રક્રિયા અધૂરી હતી તો તેની જવાબદારી બિલ્‍ડર અને ડેવલપરની પણ બને છે. આ મુદ્દે તમામ દુકાનદારો એકજૂથ થઈ બિલ્‍ડર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.

 જો દુકાનદારોને યોગ્‍ય રીતે નોટિસ ન મળી હોય અથવા બિલ્‍ડર દ્વારા જરૂરી મંજૂરીઓ અંગે ભ્રમ ફેલાવવામાં આવ્‍યો હોય તો તે મુદ્દો નાગરિક અને ફોજદારી વિવાદનું સ્‍વરૂપ ધારણ કરી શકે છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટના આદેશોને આધીન રહેશે.(

(11:15 AM IST)