<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

કોડીનારના છારા ગામે દરિયામાં કરૂણ દુર્ઘટના: પાંચ કિશોરો જોરદાર કરંટમાં સપડાયા,

ત્રણનો આબાદ બચાવ – બે કિશોરો લાપતા, સઘન શોધખોળ યથાવત

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામેથી મંગળવારે બપોરે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દરિયામાં નાહવા ગયેલા પાંચ કિશોરો અચાનક જોરદાર દરિયાઈ કરંટમાં સપડાતા ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં નજીકમાં હાજર સ્થાનિક માછીમારોએ જીવના જોખમે દરિયામાં ઝંપલાવી બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમના પ્રયાસોથી ત્રણ કિશોરોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી, જ્યારે બે કિશોરો દરિયામાં લાપતા બનતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાથમિક માહિતી મુજબ, છારા ગામના પાંચ મિત્રો, જેઓ ધોરણ-11 અને ધોરણ-12માં અભ્યાસ કરે છે, આજે બપોરે દરિયા કિનારે ફરવા અને નાહવા માટે પહોંચ્યા હતા. ચર્ચા મુજબ શરૂઆતમાં બે કિશોરો દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા. દરમિયાન અચાનક દરિયાના તીવ્ર કરંટમાં તેઓ સપડાતા ડૂબવા લાગ્યા હતા. પોતાના મિત્રોને બચાવવા અન્ય ત્રણ કિશોરો પણ તરત જ દરિયામાં ઝંપલાવ્યા હતા. પરંતુ દરિયાના ભારે કરંટ સામે પાંચેય કિશોરો લાચાર બની જતા સ્થિતિ વધુ ગંભીર બની હતી. આ દરમિયાન નજીકમાં રહેતા સ્થાનિક માછીમારોની નજર આ ઘટના પર પડતા તેઓ કોઈ પણ વિલંબ કર્યા વગર દરિયામાં ઝંપલાવ્યા હતા. માછીમારોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે રાજદીપ જેસાભાઈ ચુડાસમા (ઉંમર 16 વર્ષ), કુલદીપ પુનાભાઈ ચુડાસમા (ઉંમર 16 વર્ષ) અને અક્ષય ધીરુભાઈ રાઠોડ (ઉંમર 16 વર્ષ) નો આબાદ બચાવ થયો હતો. જો કે, ભાવસિંહ ભરતભાઈ ચુડાસમા (ઉંમર 16 વર્ષ) અને નિર્મળ હમીરભાઈ ચુડાસમા (ઉંમર 17 વર્ષ) દરિયાના મોજાંમાં લાપતા બન્યા હતા. ભારે કરંટ અને ઊંચા મોજાંને કારણે સ્થાનિક તરવૈયાઓ માટે પણ શોધખોળ અત્યંત મુશ્કેલ બની રહી છે.

ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટી તંત્ર, કોડીનાર મામલતદાર, કોડીનાર પોલીસ તેમજ અન્ય અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ તથા ભાજપ અગ્રણી શિવાભાઈ સોલંકી દ્વારા મૂળદ્વારકાથી અનુભવી તરવૈયાઓ ને બોલાવી દરિયામાં શોધખોળ શરૂ કરાવવામાં આવી હતી.દિલીપભાઈ મોરી સહિત સ્થાનિક રાજકીય અગ્રણીઓ જિલ્લા,તાલુકા પંચાયતના સભ્યો તેમજ ગામના સરપંચ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસ.ડી.આર.એફ. તથા કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવી હતી. એસ.ડી.આર.એફ.ની ટીમ ઘટનાસ્થળે પહોંચી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી ચૂકી છે.ઉપરાંત ડ્રોન કેમેરા અને કોસ્ટગાર્ડની બોટ ની મદદથી પણ દરિયાના વિશાળ વિસ્તારમાં લાપતા બંને કિશોરોની શોધખોળ કરવામાં આવી રહી છે.આ કરૂણ ઘટનાની જાણ થતાં છારા ગામ સહિત સમગ્ર કોડીનાર પંથકમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો દરિયાકિનારે પહોંચી ગયા છે અને લાપતા બંને કિશોરો સુરક્ષિત મળી આવે તેવી આશા સાથે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.જ્યાં સુધી દરિયામાં ગરકાવ બંને બાળકો નહીં મળે ત્યાં સુધી રાઉન્ડ ધી ક્લોક વિવિધ એજન્સીઓ અને સ્થાનિક માછીમારો દ્વારા સંયુક્ત રીતે શોધખોળ ચાલુ રાખવામાં આવશે.તેવું કોડીનાર મામલતદાર એચ.કે.ભાસ્કરે જણાવ્યું હતું.

તેમજ આ તકે વેરાવળ ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડા એ જણાવ્યું હતું કે ભારે દરિયાઈ કરંટ અને ઊંચા મોજાં વચ્ચે બચાવ કાર્ય મુશ્કેલી ભર્યું બની ગયું છે હાલ ની સ્થિતિ એ દરિયામાં ઉતરવું મુશ્કેલ છે.તેમ છતાં વહીવટી તંત્ર, પોલીસ, ફાયર ટીમ, વેરાવળ, ફિશરીઝ, મરીન પોલીસ અને એસ.ડી.આર.એફ. દ્વારા સંયુક્ત રીતે મેન્યુઅલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટ હોવાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. તેથી ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તેમજ કોસ્ટ ગાર્ડની બોટને પણ બચાવ કામગીરીમાં જોડવામાં આવી છે."


અત્યારે લખાઈ રહ્યું છે ત્યારે પણ છારા ગામના દરિયાકિનારે બચાવ કામગીરી અવિરત ચાલુ છે. વહીવટી તંત્ર,પોલીસ, ફાયર વિભાગ, એસ.ડી.આર.એફ., મરીન પોલીસ, ફિશરીઝ વિભાગ, કોસ્ટ ગાર્ડ, સ્થાનિક માછીમારો અને તરવૈયાઓ દ્વારા દરિયાના અલગ-અલગ વિસ્તારોમાં સતત શોધખોળ કરવામાં આવી રહી છે.ભારે દરિયાઈ કરંટ બચાવ કામગીરીમાં સૌથી મોટો પડકાર બની રહ્યો છે. હવે સમગ્ર જિલ્લાની નજર લાપતા બંને કિશોરોની ભાળ ક્યારે મળે તેના પર મંડાયેલી છે

(10:45 PM IST)