<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસમાં ૨૬ કર્મચારીઓને બઢતી : ડીજીપીની સૂચનાથી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી ડી.આ૨. ભાટીયા તથા એ.વી. રાજગોરની ઉપસ્થિતિમાં પાઇપિંગ સેરેમની યોજાઈ

પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે ૧૫ અને હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈ તરીકે ૧૧ કર્મચારીઓને પ્રમોશન આપી અભિનંદન પાઠવવામાં આવ્યા

રાજકોટ : પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ સંવર્ગના કુલ ૨૬ પોલીસ કર્મચારીઓને પદોન્નતિ (પ્રમોશન) આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય ગાંધીનગરના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા રાજ્યભરમાં યોગ્ય પોલીસ કર્મચારીઓને સમયસર પ્રમોશન આપવાની દિશા-નિર્દેશો સાથેની જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી હતી.

આ આદેશોના અનુસંધાને સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પદોન્નતિની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી પોલીસ કોન્સ્ટેબલમાંથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાં કુલ ૧૫ કર્મચારીઓ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલમાંથી અસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (એ.એસ.આઈ.) સંવર્ગમાં કુલ ૧૧ કર્મચારીઓ મળીને કુલ ૨૬ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.

બઢતી મેળવનારા તમામ કર્મચારીઓ માટે વિશેષ 'પાઇપિંગ સેરેમની' (Piping Ceremony) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર, એસ.ટી.એસ.સી. સેલના ડીવાયએસપી ડી.આર. ભાટીયા તથા ગાંધીધામ મુખ્ય મથકના ડીવાયએસપી એ.વી. રાજગોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા બઢતી મેળવનાર તમામ ૨૬ પોલીસ કર્મચારીઓને ખાંધ પર બેજ લગાવીને પ્રમોશન આપવાની સાથે તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

 

(10:28 PM IST)