તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
સુરેન્દ્રનગર હાઈવોલ્ટેજ ડ્રામાઃ નશામાં ધૂત યુવક ૩૦ મીટર ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો
૨ કલાકના રેસ્કયુ ઓપરેશન બાદ ફાયર બ્રિગેડે યુવકને સુરક્ષિત નીચે ઉતાર્યો, વિસ્તારમાં ટ્રાફિક જામ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૭: સુરેન્દ્રનગર શહેરના નવા સર્કિટ હાઉસ સામે મેન રોડ પર આવેલા સુધારા પ્લોટમાં આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની. નશામાં ધૂત હનીફ ઉર્ફે ભૂરો નામનો યુવક અચાનક ૩૦ મીટરથી પણ વધુ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. ધોળા દિવસે યુવકને ટાવરના સૌથી ઉપરના ભાગે લટકતો જોઈને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા ટૂંક સમયમાં ટાવરની આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વ્યસ્ત રોડ હોવાથી ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. નીચે ઉભેલા લોકોએ બૂમો પાડી અને સમજાવીને યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો, પરંતુ નશામાં ચૂર યુવકે કોઈની વાત માની નહીં.
પરિસ્થિતિ ગંભીર બનતા જોરાવર નગર પોલીસ સ્ટેશનમાંથી તાત્કાલિક સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ફાયર અને ઇમરજન્સી સર્વિસને કોલ કરવામાં આવ્યો. ફાયર વિભાગની ૧૧ સભ્યોની ક્રુ અને નવી મીની/યોદ્ધા ફાયર વ્હીકલ સાથેની ટીમ ૭.૩૭ કલાકે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ તમામ સુરક્ષા સાધનો સાથે સઘન રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું. લગભગ ૨ કલાકની ભારે જહેમત બાદ, સવારે ૯.૨૦ કલાકે ટીમે યુવકને સુરક્ષિત રીતે ટાવર પરથી નીચે ઉતાર્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાથમિક તપાસ મુજબ, યુવક અતિશય નશાની હાલતમાં હોવાને કારણે આ જોખમી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. યુવકને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ નશાની આડઅસરો અને જીવના જોખમે લેવાતા પગલાં અંગે સવાલો ઉભા કર્યા છે
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
