<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

ભવિષ્‍યમાં સિંહના હુમલાની ઘટના ન બને તે માટે ટ્રેકરોની સંખ્‍યા વધારીને રાઉન્‍ડ ધ કલોક મોનિટરિંગ કરાશેઃ અર્જુનભાઇ મોઢવાડિયા

રાજુલામાં સિંહના હુમલામાં યુવકનું મોત થતા વનમંત્રીએ શોક વ્‍યક્‍ત કર્યોઃ હુમલો કરનાર સિંહને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યોઃ હવે 24x7 પેટ્રોલિંગના આદેશ

રાજકોટ, તા.૧૭: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સિંહ સાથેની અથડામણમાં એક યુવકનું મોત થયાની દુર્ભાગ્‍યપૂર્ણ ઘટના બની છે. આ ઘટનાને લઈને ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ ઊંડો શોક વ્‍યક્‍ત કર્યો છે.

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું છે કે રાજુલા પંથકમાં સિંહ સાથેની અથડામણમાં એક યુવકના અવસાનના સમાચાર અત્‍યંત વ્‍યથિત કરનારા છે. તેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શોકાતુર પરિવાર પ્રત્‍યે હૃદયપૂર્વકની ઊંડી સંવેદના વ્‍યક્‍ત કરી હતી.

ઘટનાની ગંભીરતા સમજીને તંત્ર દ્વારા તાત્‍કાલિક પગલા લેવામાં આવ્‍યા છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું કે સંબંધિત સિંહ પરિવારને વન વિભાગની ટીમે તાત્‍કાલિક રેસ્‍કયુ ઓપરેશન કરીને સુરક્ષિત રીતે પાંજરે પૂરી દીધો છે. જેથી આગળ કોઈ અનિચ્‍છનીય ઘટના ન બને.

ભવિષ્‍યમાં આવી ઘટના પુનરાવર્તિત ન થાય તે માટે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ વન વિભાગને કડક સૂચનાઓ આપી છે. સમગ્ર વિસ્‍તારમાં વન વિભાગના ટ્રેકરોની સંખ્‍યા વધારવામાં આવશે. ઉપરાંત રાઉન્‍ડ-ધ-ક્‍લોક મોનિટરિંગ અને પેટ્રોલિંગ સઘન બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો છે. જેથી સિંહોની હિલચાલ પર સત નજર રાખી શકાય.

મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે સામાન્‍ય રીતે એશિયાટિક સિંહો માનવ સંઘર્ષ ટાળતા હોય છે. પરંતુ કયારેક પરિસ્‍થિતિજન્‍ય કારણોસર તેમના વર્તનમાં અણધાર્યો બદલાવ આવી જતો હોય છે જેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. સરકાર માનવજીવનની સુરક્ષા અને વન્‍યજીવોના સંરક્ષણ વચ્‍ચે યોગ્‍ય સંતુલન જાળવવા માટે પ્રતિબદ્ધ છે. તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે.

રાજુલા વિસ્‍તાર ગીરના બફર ઝોનમાં આવેલો છે જ્‍યાં માનવ-સિંહ સંઘર્ષની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. હવે સરકારના નવા પગલા બાદ સ્‍થાનિકોમાં સલામતીની લાગણી વધશે તેવી આશા છે

(11:04 AM IST)