<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

વીજ પોલના વળતર મુદ્દે સુરેન્‍દ્રનગર જીલ્લાના ખેડૂતો ઉગ્રઃ ગાંધીનગર જવાને બદલે ઓગણજ સભામાં લઈ જવાતા વિવાદ

પોલીસે શાંતિપુરા-ઓગણજ પાસે રોકયા, જેસીબી-ટ્રેક્‍ટરથી રોડ બ્‍લોક, કોંગ્રેસે રેલી હાઇજેક કરી હોવાના ખેડૂતોના આક્ષેપ

 (ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧૬: રાજ્‍યના ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ દ્વારા નખાતા વીજ થાંભલા અને હેવી લાઇન ટાવરના વળતર મુદ્દે આંદોલન ઉગ્ર બન્‍યું છે. આજે રાજ્‍યના અનેક વિસ્‍તારોમાંથી ખેડૂતો ટ્રેક્‍ટર રેલી સાથે અમદાવાદ ઉમટી પડ્‍યા હતા. પરંતુ પોલીસે ગાંધીનગર જતા રોકતા અને કોંગ્રેસની સભામાં લઈ જવાતા ખેડૂતોમાં ભાગલા પડી ગયા.

ખેડૂતોના સહકારથી કોંગ્રેસે અમદાવાદથી ગાંધીનગર સુધી ‘કિસાન અધિકાર રેલી'ની જાહેરાત કરી હતી. મોટી સંખ્‍યામાં ખેડૂતો શહેરના એસપી રિંગ રોડ પર શાંતિપુરા સર્કલ ખાતે ટ્રેક્‍ટર સાથે એકત્ર થયા હતા. ત્‍યાંથી ઓગણજ ખાતે કોંગ્રેસની સભામાં જવાનું આયોજન હતું.

પરંતુ પોલીસે શાંતિપુરા અને ઓગણજ વિસ્‍તારમાં જ ખેડૂતોને ગાંધીનગર તરફ આગળ વધતા અટકાવ્‍યા. પોલીસે જેસીબી મશીન રોડ પર મૂકીને અવરોધ ઊભો કર્યો તો ખેડૂતોએ ટ્રેક્‍ટરથી રોડ બ્‍લોક કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે પોલીસ-ખેડૂતો વચ્‍ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું. પોલીસે મહામહેનતે ટ્રાફિક ક્‍લિયર કરાવ્‍યો.

ગાંધીનગર કૂચની જાહેરાત થઈ હતી, પરંતુ ખેડૂતોને ઓગણજ ખાતે કોંગ્રેસની સભામાં લઈ જવાતા ઘણા ખેડૂતો રોષે ભરાયા. કેટલાક ખેડૂતોએ આક્ષેપ કર્યો કે ‘‘કોંગ્રેસે ખેડૂતોની રેલી હાઇજેક કરી લીધી''. તેમનો દાવો હતો કે તેમને ગાંધીનગર જવાને બદલે સભામાં જવા દબાણ કરવામાં આવી રહ્યું છે.

વિવાદના કારણે ખેડૂતો બે ભાગમાં વહેંચાઈ ગયા. કેટલાક કોંગ્રેસના આગેવાનો સાથે ઓગણજ સભામાં ગયા, કેટલાક પરત ફર્યા અને કેટલાક ચાલતા જ ગાંધીનગર તરફ કૂચ કરવા લાગ્‍યા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી વિવાદને કારણે સભામાં હાજર રહ્યા ન હતા.

કોંગ્રેસ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ‘‘આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોના આંદોલનને સ્‍વાર્થ માટે રાજકીય રંગ આપીને માંગને નબળી પાડી રહ્યા છે. ભાજપ સરકાર પોલીસ અને તંત્ર દ્વારા ખેડૂતોને ડરાવીને ગાંધીનગર કૂચ રોકી રહી છે''. કોંગ્રેસના ખેડૂત અગ્રણી પાલ આંબલિયા સામે જ્‍યારે સ્‍ટેજ પરથી ‘‘ગાંધીનગર કેમ ન ગયા?'' એવો સવાલ ઉઠ્‍યો તો તેઓ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું ‘‘હવે આંદોલન કરવા માટે મારે ઘરે પૂછવું પડશે''

ખેડૂતોએ સરકારને ૩૦ જૂન સુધીની અલ્‍ટિમેટમ આપી છે. જો ત્‍યાં સુધીમાં ઉકેલ નહીં આવે તો જિલ્લાઓમાં રસ્‍તા રોકો આંદોલન અને ગાંધીનગર સુધી મોટી કૂચ કરવાની ચીમકી ઉચ્‍ચારી છે. ખેડૂતોનું કહેવું છે કે વીજ કંપનીઓ પોલીસ રક્ષણ સાથે દાદાગીરીથી ખેતરમાં વિશાળ જગ્‍યા રોકીને ટાવર નાખી રહી છે, જેથી તેમના પાક અને ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. 

(11:44 AM IST)