<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ભુજના માધાપર વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગ: ભોજન સમારંભમાં છાશ પીધા બાદ 30 જેટલા બાળકોની તબિયત અચાનક લથડી

ઐશ્વર્યાનગરમાં રાત્રિના ભોજન દરમિયાન બાળકોએ છાશ પીધા બાદ એક પછી એક એમ ૩૦ જેટલા બાળકોને પેટમાં દુખાવો અને સતત ઊલ્ટીઓ થવા લાગી

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાંથી ફૂડ પોઇઝનિંગની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં યોજાયેલા એક સામાજિક પ્રસંગ અથવા ભોજન સમારંભ બાદ અંદાજે 30 જેટલા બાળકોની તબિયત અચાનક લથડતાં સમગ્ર પંથકમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ભોજનમાં પીરસવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઝાડા-ઊલ્ટીની તકલીફ થઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.

 

 મળતી માહિતી અનુસાર, ભુજના ઐશ્વર્યાનગરમાં રાત્રિના ભોજન દરમિયાન બાળકોએ હોંશે-હોંશે છાશ આરોગી હતી. જોકે, ભોજન પૂરું થયાના થોડા જ સમયમાં એક પછી એક એમ ૩૦ જેટલા બાળકોને પેટમાં દુખાવો અને સતત ઊલ્ટીઓ થવા લાગી હતી. બાળકોની સ્થિતિ બગડતી જોઈને પરિવારજનો અને સ્થાનિક લોકો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા અને તમામ અસરગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

 

 આ સામૂહિક ફૂડ પોઈઝનિંગની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આરોગ્ય અધિકારીઓ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે જગ્યાએ ભોજન બન્યું હતું ત્યાં વપરાયેલી સામગ્રી અને ખાસ કરીને છાશના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સેમ્પલ્સને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે, જેથી ફૂડ પોઇઝનિંગ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.

 

 આ દુર્ઘટના વચ્ચે રાહતના સમાચાર એ છે કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા તમામ 30 બાળકોની સ્થિતિ હાલ સ્થિર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. સમયસર સારવાર મળી જતાં કોઈ મોટી જાનહાનિ ટળી છે. તબીબોની ટીમ દ્વારા તમામ બાળકોના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

(2:11 PM IST)