તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
પુનમબેન માડમના માતુશ્રી દિનાબેનનું અવસાન
પુનમબેને માતાને કાંધ આપીઃ ગુરૂવારે સાંજે જામનગરમાં બેસણું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૫: જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમના માતાનું દુઃખદ અવસાન થયું છે. સ્વ. દિનાબેન હેમંતભાઈ માડમે (ઉં.વ.૭૮) રવિવારે ૧૪/૬/૨૦૨૬ના અંતિમ શ્વાસ લીધા હતા. જેથી માડમ પરિવાર અને ભાજપના સંસદના સમર્થકોમાં શોક વ્યાપી ગયો હતો. રવિવારે સાંજે ૪:૩૦ કલાકે નવાગામ ઘેડ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી.
અંતિમ વિદાય સમયે સાંસદ પૂનમબેન માડમે પોતાની માતાને કાંધ આપી ભાવુક થયા હતા. અંતિમયાત્રામાં જામનગર ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શુભેચ્છકો જોડાયા હતા. માતળશ્રીના નિધનથી પૂનમબેનના પરિવારજનોમાં તેમજ રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોક વ્યાપી ગયો હતો. અને જામનગરના જુના આદર્શ સ્મશાન ગળહ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અગ્નિદાહ આપતી વેળાએ પૂનમબેન માડમ ભાવુક થયા હતા.
આ તકે રિલાયન્સના ધનરાજભાઈ નથવાણી, રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણજારીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુ બેરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી સહિતના અગ્રણીઓ અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદના ટેકેદારો અને પરિવારજનો મોટી સંખ્યામાં અંતિમ સંસ્કાર વખતે ઉપસ્થિત રહ્યા હતા.
સ્વ. દિનાબેન માડમનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો. સદગતનું બેસણું આગામી તા. ૧૮/૬/૨૦૨૬ ના ગુરુવારે સાંજે ૫ થી ૬ દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે જામનગરના ઓશવાલ સેન્ટર ખાતે રાખવામાં આવ્યું છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
