તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 14th June 2026
મોરબીમાં દર્દનાક અકસ્માત: ઘાસ વહેંચતા વૃદ્ધને બોલેરો ચાલકે મારી ટક્કર, રાજકોટમાં સારવાર દરમિયાન મોત
નેક્સસ સિનેમા નજીક સર્જાયો અકસ્માત, આરોપી ચાલક અકસ્માત બાદ ફરાર થતા પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી.

મોરબી, મોરબી-કંડલા બાયપાસ પર ધુતારી નજીક આજે સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘાસ વહેંચી રહેલા ૭૪ વર્ષીય પ્રભુભાઈ મૂળજીભાઈ અગેચાણીયાને સફેદ રંગની બોલેરો કાર (GJ-36-V-8562) ના ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.
આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ભત્રીજા મહેશભાઈ જેઠાભાઈ અગેચાણીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, જ્યારે પ્રભુભાઈ રોડની સાઈડમાં ઉભા રહીને લીલું ઘાસ વહેંચી રહ્યા હતા, ત્યારે બોલેરો ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં પ્રભુભાઈને મોઢા, દાઢી, કોણી, પંજાના ભાગે અને ડાબા પગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માત સર્જીને આરોપી ચાલક ઘટનાસ્થળેથી વાહન લઈને ભાગી છૂટ્યો હતો. હાલ મહેશભાઈ અગેચાણિયાની ફરિયાદને આધારે પોલીસે સફેદ કલરની બોલેરોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વી.એલ. વાઘેલા દ્વારા આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ ઘટના બાદ મૃતકના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે ફરાર ચાલકની શોધખોળ કરી રહી છે, જેથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ન્યાય અપાવી શકાય.
આવી દુર્ઘટનાઓ રોકવા માટે હાઈવે પર વાહન ચાલકોની સલામતી અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા બાબતે આપના શું સૂચનો છે?
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
