News of Wednesday, 10th June 2026
જસદણ પંથકમાં સગીરાના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો :પોલીસે સગીરાને હેમખેમ મુક્ત કરાવી: અપહરણ કરનાર આરોપીની ધરપકડ
પોલીસે ગણતરીના કલાકોમાં જ અમરેલીના બાબરાના ખંભાળા ગામેથી સગીરાને શોધી કાઢી:અમરેલીના ખંભાળા ગામના રહેવાસી અશોક વિઠ્ઠલભાઈ જીંજરિયા નામના આરોપીની ધરપકડ કરી

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક સગીરાનું અપહરણ થવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસે માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સગીરાને હેમખેમ મુક્ત કરાવીને અપહરણ કરનાર શખ્સની ધરપકડ કરી લીધી છે.
રાજકોટ રૂરલ એસપીના સીધા માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ મળતા જ યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સનો સચોટ ઉપયોગ કરીને પોલીસે ગણતરીના કલાકોમાં જ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામેથી સગીરાને શોધી કાઢી હતી. પોલીસે અમરેલી જિલ્લાના ખંભાળા ગામના રહેવાસી અશોક વિઠ્ઠલભાઈ જીંજરિયા નામના આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા ત્રણ મહિનાથી સગીરાના સંપર્કમાં હતો અને તેણે લગ્નની લાલચ આપીને સગીરાનું અપહરણ કર્યું હતું.
જસદણ પોલીસની સતર્કતાને કારણે સગીરાને આરોપીના ચુંગાલમાંથી સુરક્ષિત રીતે છોડાવીને તેના પરિવારને સોંપવામાં આવી છે. આ સફળ કામગીરી અંગે માહિતી આપતા ASP ડો. નવીન ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 137, 65, 87 તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કલમ 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અપહરણ, દુષ્કર્મ અને પોક્સો જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને જેલના હવાલે કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
