<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર દ્વારા એમ.પી. શાહ મેડિકલ કોલેજની લાયબ્રેરીને 40 હજારના અભ્યાસના પુસ્તકોનું અનુદાન, અધિક માસમાં પ્રેરણાદાયી કાર્ય

અજ્ઞાત દાતાના સહયોગથી મેડિકલ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી 43 પુસ્તકો અર્પણ, એક વિદ્યાર્થીને બદલે અનેક વિદ્યાર્થીઓને લાભ મળે તે હેતુથી લાયબ્રેરીને ભેટ; પીઆરઓ અતુલ મહેતાની પહેલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૦ : શાસ્ત્રોમાં અનેક પ્રકારના દાનનો મહિમા જણાવવામાં આવ્યો છે તે પૈકી વિદ્યાદાન અને પુસ્તક દાનનું વિશેષ મહત્વ છે. આ ભાવનાને સાર્થક કરતા જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર પૂર્વ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે.

 

જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર પૂર્વ છેલ્લા 52 વર્ષથી જામનગર શહેર તથા જિલ્લામાં કાર્યરત છે. વર્ષ દરમિયાન સભ્યો દ્વારા દાતાઓના માધ્યમથી અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ વખતે અધિક માસમાં સંસ્થાને અજ્ઞાત દાતા દ્વારા મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી આવે તેવા 43 પુસ્તકો ભેટ મળ્યા હતા, જેની અંદાજિત કિંમત 35 થી 40 હજાર રૂપિયા છે.

 

આ પુસ્તકો જામનગરની સૌરાષ્ટ્રની મોટામાં મોટી એમ.પી. શાહ મેડીકલ કોલેજની લાયબ્રેરીને અર્પણ કરવામાં આવ્યા. સંસ્થાના પીઆરઓ અતુલ મહેતાએ જણાવ્યું કે કોઈપણ એક સ્ટુડન્ટને પુસ્તકો આપવામાં આવે તો ફક્ત એક જ સ્ટુડન્ટને લાભ મળે. પરંતુ કોલેજની લાયબ્રેરીને અર્પણ કરવાથી અનેક સ્ટુડન્ટોને ઉપયોગમાં આવી શકે તેવા શુભ આશયથી આ પ્રેરણાદાયી પ્રોજેક્ટ રાખવામાં આવ્યો હતો.

 

પુસ્તક અર્પણ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ આશુતોષભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ જયંતિભાઈ જીવાણી, ફેડરેશન ઓફીસર સતીશભાઈ ભટ્ટ, ખજાનચી મહેશભાઈ કલ્યાણી, સિનિયર સભ્ય વિનુભાઈ ચૌહાણ, ભરતભાઈ આશા, જયેશભાઈ ખીમસૂર્યા ઉપસ્થિત રહ્યા હતા. એમ.પી. શાહ મેડિકલ કોલેજ તરફથી ડો. નફીસા, ડીન પીએ જયેશભાઈ પરમાર અને લાયબ્રેરીયન અતુલભાઈ રાયઠ્ઠઠા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

(3:49 PM IST)