News of Wednesday, 10th June 2026
વેકેશનમાં જૂનાગઢના સક્કરબાગ ઝૂનું પ્રવાસીઓમાં આકર્ષણ અકબંધ રહ્યું:ગતવર્ષ કરતા 13.000 મુલાકાતીઓ વધુ ઉમટયા
સક્કરબાગ ઝૂ વડીલોથી લઈને બાળકો, સૌના માટે મનપસંદ સ્થળ છે. ચાલુ વર્ષે ઉનાળામાં અસહ્ય ગરમી પડી હોવા છતાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો

જૂનાગઢ શહેર અને જિલ્લો પ્રવાસીઓ માટે હંમેશા માનીતું સ્થાન રહ્યો છે. વર્ષભર અહીં ફરવા લાયક સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને સક્કરબાગ ઝૂ વડીલોથી લઈને બાળકો, સૌના માટે મનપસંદ સ્થળ છે. ચાલુ વર્ષે ઉનાળામાં અસહ્ય ગરમી પડી હોવા છતાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે અંદાજે 13000 જેટલા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
સક્કરબાગ ઝૂમાં ઉનાળાના વેકેશન દરમિયાન પ્રવાસીઓના આગમનમાં ધરખમ ઉછાળો આવ્યો છે. ગત વર્ષે બાળકો, પુરુષો અને મહિલાઓ મળી કુલ 1,63000 પ્રવાસીઓએ ઝૂની મુલાકાત લીધી હતી. પરંતુ આ વર્ષે ઉનાળાના વેકેશન દરમિયાન આ સંખ્યા વધીને 1,76000 જેટલી થઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગરમીની અસર લોકોના ફરવાના શોખ પર પડી નથી.
સક્કરબાગ ઝૂમાં અલગ અલગ દેશોના દુર્લભ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે. નેચર અને વન્યજીવની દ્રષ્ટિએ આ ઝૂનું ખાસ મહત્વ રહેલું છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ અભ્યાસ અને આનંદનું કેન્દ્ર છે. ઝૂ દ્વારા પર્યાવરણના મહત્વના દિવસોમાં પ્રવેશ નિઃશુલ્ક આપવામાં આવે છે, જે પ્રવાસીઓને વધુ પ્રોત્સાહિત કરે છે.
આકર્ષક અને સસ્તું પર્યટન સ્થળ હોવાથી લોકો અહીં વારંવાર આવવાનું પસંદ કરે છે. ઝૂમાં પ્રવેશ ફી પણ ખૂબ જ સામાન્ય સ્તરની છે. બાળકો માટે 20 રૂપિયા અને બાળકોથી મોટા તમામ માટે 40 રૂપિયા પ્રવેશ ફી નક્કી લેવામાં આવે છે. આટલી ઓછી કિંમતે અદભૂત વન્યજીવ સૃષ્ટિ જોવા મળતી હોવાથી અહીં હંમેશા ભીડ રહે છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
