તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 9th June 2026
રાજકોટના કોલીથડમાં બિસ્માર રસ્તા મામલે બેટાવડના સરપંચ અને અધિકારી વચ્ચે આકરું ઘર્ષણ: ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી
કોલીથડ-ખડવંથલી રોડ ખરાબ હોવાથી ખેડૂતો અને રાહદારીઓ પરેશાન:ઉગ્ર વિવાદ દરમિયાન જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ સામત બાંભવાએ મધ્યસ્થી કરીને મામલો શાંત પાડ્યો અને રસ્તાનું કામ ઝડપથી શરૂ કરવાની ખાતરી આપી

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા હવે વહીવટી તંત્ર અને સ્થાનિક જનપ્રતિનિધિઓ વચ્ચેના આકરા ઘર્ષણનું કારણ બની રહી છે. રાજકોટના ગોંડલ પંથકમાં આવેલા કોલીથડ વિસ્તારમાં બિસ્માર રસ્તાના મુદ્દે એક હૃદયધ્રુજાવનારી ઘટના સામે આવી છે.
કોલીથડથી ખડવંથલી અને મોટા ઉમવાળાને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર અને ખખડધજ હાલતમાં ફેરવાઈ ગયો છે. આ મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા બેટાવડ ગામના સરપંચનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. વાત એટલી હદે વધી ગઈ કે સરપંચ અને માર્ગ-મકાન વિભાગના સરકારી અધિકારી વચ્ચે લોકપ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં જ ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી દ્રશ્યો સર્જાયા હતા.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, કોલીથડથી ખડવંથલી અને મોટા ઉમવાળાનો રસ્તો લાંબા સમયથી તૂટી ગયો હોવાથી આસપાસના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો , રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન અને ત્યારબાદ પણ ખાડાઓથી ખદબદતા આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. આ બાબતે બેટાવડના સરપંચ દ્વારા માર્ગનું સમારકામ અથવા નવું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવાની ઉગ્ર માગ કરવામાં આવી રહી હતી. જોકે, અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ ન મળતા અને કામ શરૂ કરવામાં થતા વિલંબના કારણે સરપંચનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો, જેને પગલે સરકારી કચેરીના પરિસરમાં જ ભારે હોબાળો મચી ગયો હતો.
આ ઉગ્ર હોબાળા અને અફરાતફરી દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામત બાંભવા પણ ત્યાં ઉપસ્થિત હતા. સરપંચ અને માર્ગ-મકાન વિભાગના અધિકારી વચ્ચે મામલો વધારે બિચકે અને શારીરિક ઈજાઓ સુધી પહોંચે તે પહેલાં જ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામત બાંભવાએ તાત્કાલિક વચ્ચે પડીને મધ્યસ્થી કરી હતી. તેમણે બંને પક્ષોને શાંત પાડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને રસ્તાના કામ અંગે વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવાની ખાતરી આપી હતી. સામત બાંભવાની સમયસૂચકતાના કારણે એક મોટી કાયદાકીય મુશ્કેલી ટળી ગઈ હતી.
જોકે, આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની ઢીલી નીતિ અને ભ્રષ્ટાચાર સામે જનતામાં ફેલાયેલા આક્રોશને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે. ખરાબ રસ્તાના લીધે દરરોજ સેંકડો ખેડૂતો પોતાના પાકને માર્કેટ યાર્ડ સુધી લઈ જવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે, તેમજ વાહનોમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. કોલીથડ પંથકની જનતા હવે એક જ માગ કરી રહી છે કે અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળીને વાસ્તવિક કામ શરૂ કરે, જેથી આવી અપ્રિય ઘટનાઓ ભવિષ્યમાં ફરી ન બને. આ ઝપાઝપીના વીડિયો અને સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર રાજકોટ જિલ્લામાં આ વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
