તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
લોકોની સુખાકારી ભૂલી તંત્ર ખાતમુહૂર્તની રાહમાં: ખાડાવાળા રોડ મુદ્દે સાવરકુંડલામાં તંત્ર સામે રોષ
ટેન્ડર ખુલ્લે ૨૫ દિવસ થયા છતાં એજન્સીને વર્ક ઓર્ડર ન અપાતા આઇકોનીક રોડનું કામ ઠપ્પઃ રોજ ખાડામાં ઠેબા ખાતા લોકો કંટાળ્યા, કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ ઉઠાવ્યો સવાલ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૯: સાવરકુંડલા શહેરી વિસ્તાર વોર્ડ નંબર ૬ માં સંસ્કાર મંદિર પાસેથી માલધારી ચોક સુધી અને કપોળ કન્યા છાત્રાલય પાસેથી કોલેજના ગેઇટ સુધીના રોડની બિસ્માર હાલતને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ બન્ને રોડ આઇકોનીક રોડના ટેન્ડર ખુલ્યાને ૨૫ દિવસ વીતી ગયા હોવા છતાં એજન્સીને વર્ક ઓર્ડર ન અપાતા કામ શરૂ થયું નથી. જેના કારણે રોજ રાહદારીઓ અને વાહનચાલકો ખાડામાં ઠેબા ખાઈ રહ્યા છે.
આ મુદ્દે પાલિકાના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ આકરા શબ્દોમાં તંત્ર અને સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું કે ટેન્ડર ખુલ્લી ગયાને ૨૫ દિવસ થયા. એજન્સીને હવે તો વર્ક ઓર્ડર આપો. ચોમાસાના દિવસો ગણાય રહ્યા છે. ખાતમુહૂર્ત કરવું હોય તો કરી નાખો. લોકો જશ તમને જ આપશે. પણ તાત્કાલિક ધોરણે આઇકોનીક રોડનું કામ ચાલુ કરો.
ધર્મેન્દ્ર મહેતાએ વધુમાં આક્ષેપ કર્યો કે નગરપાલિકાએ હંમેશા લોકોની સુખાકારી વિચારવાની હોય, પરંતુ હાલ લોકોને વધુ મુશ્કેલી કેમ પડે તેવો ઘાટ ચાલી રહ્યો છે. હવે તો લોકો અને રાહદારીઓ કંટાળી ગયા છે. લોકોની સુવિધા માટે આટલો વિલંબ શા માટે થઈ રહ્યો છે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું કે લોકોની સુખાકારી ભૂલી તંત્ર ખાતમુહૂર્તની રાહમાં છે. પરંતુ નેતાઓ લોકોની સુખાકારીને દાવ પર ન લગાડે. ચોમાસાના દિવસો ગણાય રહ્યા છે જેથી તાત્કાલિક ધોરણે આઇકોનિક રોડનું કામ શરૂ કરવામાં આવે. જો વરસાદ પહેલા કામ શરૂ નહીં થાય તો લોકોની હાલાકી અનેકગણી વધી જશે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
