<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

જામનગરઃ સીડીયુ-૨ પ્‍લાન્‍ટમાં ફ્‌લેશ ફાયરની ઘટનામાં કામદારનું ઊંચાઈ પરથી પડી જતાં મોતઃ નયારા એનર્જીએ આંતરિક સમીક્ષા શરૂ કરી

આરબીએમ ઇન્‍ફ્રાકોમના ૩૬ વર્ષીય સિદ્ધરાજસિંહ જાડેજા ત્રણ મીટર ઊંચાઈએ કામ કરતા હતા ત્‍યારે દુર્ઘટના સર્જાઈ; જી.જી. હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન નિધન, કંપની શોકગ્રસ્‍ત પરિવારને સહાય આપશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ,૯ : ગઈ કાલે બપોરે સીડીયુ-૨ પ્‍લાન્‍ટમાં બનેલી એક દુર્ઘટનામાં કામદારનું મોત નીપજ્‍યું છે. આરબીએમ ઇન્‍ફ્રાકોમ લિમિટેડના કામદાર સિદ્ધરાજસિંહ અઘુભા જાડેજા, ઉંમર ૩૬, રહેવાસી મીઠોઈ ગામ, ત્રણ મીટરની ઊંચાઈએ બોલ્‍ટમાંથી નટ છૂટો કરવાનું કામ કરી રહ્યા હતા, ત્‍યારે નાની ફ્‌લેશ ફાયરને કારણે તે ઊંચાઈ પરથી નીચે પડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા હતા.

ઘટના બનતા જ તેમને તાત્‍કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

કંપનીએ જણાવ્‍યું કે આ મુશ્‍કેલ સમયમાં શોકગ્રસ્‍ત પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. નયારા એનર્જીએ સ્‍પષ્ટતા કરી કે કંપની માટે સલામતી મુખ્‍ય પ્રાથમિકતા રહી છે અને રહેશે. કંપની કામગીરીમાં સતત શિસ્‍તબદ્ધ અને માળખાગત અભિગમનું પાલન કરે છે.

માનક પ્રક્રિયા મુજબ ઘટનાનું કારણ શોધવા અને ભવિષ્‍યમાં આવી કોઈપણ ઘટનાને રોકવા માટે યોગ્‍ય સુધારાત્‍મક પગલાં લેવામાં આવે તેની ખાતરી કરવા માટે આંતરિક સમીક્ષા શરૂ કરવામાં આવી છે. કંપની સંબંધિત અધિકારીઓને પણ સંપૂર્ણ સહકાર આપી રહી છે.

નયારા એનર્જીએ જણાવ્‍યું કે અમે અમારા બધા કામદારોની સલામતી અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છીએ અને આ મહત્‍વપૂર્ણ સમયે જરૂરી સહાય પૂરી પાડવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરીએ છીએ.

(12:02 PM IST)