News of Tuesday, 9th June 2026
જુનાગઢમાં જ્યોતિને પ્રેમી ભોલાએ દસ્તાના ઘા ઝીંકતા ગંભીરઃ લગ્ન વગર એક વર્ષથી રહે છે સાથે
વીસ વર્ષની યુવતિને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૯: જુનાગઢમાં લગ્ન વગર પ્રેમી સાથે રહેતી ૨૦ વર્ષની યુવતિ પર આ પ્રેમીએ દસ્તા કે ધોકાથી હુમલો કરી માથામાં ઘા ફટકારી દેતાં તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. યુવતિ એકાદ વર્ષથી પ્રેમી સાથે રહે છે. તેણે દારૂના નશામાં ઝઘડો કરીને હુમલો કર્યાનો આ યુવતિના માતાએ આક્ષેપ કરતાં પોલીસે ખરેખર શું બન્યું? તે જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ જુનાગઢ શક્કરબાગ પાસે રહેતી જ્યોતિ રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૦) સાંજે આઠેક વાગ્યે જુનાગઢના ધરારનગરમાં પ્રેમી ભોલા ગોવિંદ દેવીપૂજક સાથે હતી ત્યારે ભોલાએ ઝઘડો કરી તેણીને ધોકા કે દસ્તાથી બેફામ માર મારતાં માથા શરીરે ઇજાઓ થતાં જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી ગંભીર અને બેભાન હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ સી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
ગંભીર ઇજા પામનાર જ્યોતિ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ છે. તેના પિતા હયાત નથી. માતા જીકુબેન પરમાર ભંગાર વીણી ગુજરાન ચલાવે છે. જીકુબેને જણાવ્યું હતું કે મારા પતિ હયાત નથી. મારી દિકરી જ્યોતિને એકાદ વર્ષ પહેલા મુળ મેંદરડાના અને જુનાગઢમાં હાલ રહેતાં ભોલા સાથે પ્રેમ સંબંધ થઇ જતાં તેણી એકાદ વર્ષથી આ પ્રેમી સાથે લગ્ન વગર જ રહે છે. પરમ દિવસે દિકરી મારા ઘરે શક્કરબાગ પાસે આવી હતી. ગઇકાલે જ તેણી પરત પ્રેમી ભોલા પાસે ગઇ હતી. એ પછી સાંજે તેણીને ભોલાએ ધોકા કે દસ્તાથી બેફામ માર માર્યાની અમને પોલીસે જાણ કરી હતી. કદાચ તેણે દારૂના નશામાં ઝઘડો કરી મારી દિકરીને મારકુટ કર્યાની શંકા છે. જુનાગઢ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. જ્યોતિ ભાનમાં આવ્યા બાદ અને આરોપી પકડાયા બાદ વધુ વિગત સામે આવશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
