<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

જામનગર સાયબર ક્રાઈમની ટીમે ૨૫.૮૬ લાખના ફ્રોડ કેસમાં આરોપીને ૩ દિવસના રિમાન્‍ડ પર લેવાયો

જામનગરની પોલીસ ટીમે ત્રણ દિવસની રઝળપાટ બાદ રાજસ્‍થાનમાંથી ઝડપી પાડ્‍યો, વધુ ત્રણ આરોપીઓ સુધી પહોંચવા પોલીસ તપાસ તેજ

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૮:  જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે. એન. ઝાલા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આઈ. એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્‍યું હતું.

ફરિયાદ મુજબ જામનગરના એક નાગરિકનો ઈન્‍સ્‍ટાગ્રામ મારફતે સંપર્ક કરી શેર માર્કેટમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી. ત્‍યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૨૫,૮૬,૦૦૦ ટ્રાન્‍સફર કરાવી ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ અંગે ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો તથા ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એક્‍ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

તપાસ દરમિયાન પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટર એચ. કે. ઝાલા, એ.એસ.આઈ. ભગીરથસિંહ એ. જાડેજા, પોલીસ કોન્‍સ્‍ટેબલ ચિરાગ એચ. બસિયા, જીતેન્‍દ્રસિંહ કે. જાડેજા સહિતની ટીમે ટેક્રિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્‍ટેલિજન્‍સના આધારે તપાસનો દોર રાજસ્‍થાન સુધી લંબાવ્‍યો હતો. સતત ત્રણ દિવસ સુધી રાજસ્‍થાનમાં રહી તપાસ ચલાવ્‍યા બાદ આરોપી રવી રોશનલાલ વર્ટીચંદજી જાટ (ઉ.વ. ૨૭), રહે. સંસેર ગામ, તાલુકો રેલમંગરા, જિલ્લો રાજસમંદ (રાજસ્‍થાન)ને ઝડપી પાડવામાં આવ્‍યો હતો.

પોલીસ તપાસમાં આરોપીના બેંક ખાતામાં છેતરપિંડીની રકમમાંથી અંદાજે રૂ. ૧૦ લાખ ટ્રાન્‍સફર થયા હોવાનું સામે આવ્‍યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ખાતામાં આવેલી રકમ ઉપાડી તેના મામા ના દીકરાને આપી દીધી હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્‍યું છે.

તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ ઝડપાયેલ આરોપી અગાઉ રાજસ્‍થાનના અજમેર ખાતે એક કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો હતો અને તે જેલવાસ પણ ભોગવી ચૂકયો છે. જેલમાંથી મુક્‍ત થયા બાદ તેની હિલચાલ અંગે માહિતી મળતા જામનગર સાયબર ક્રાઈમની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો.

પોલીસ તપાસમાં હજુ આ ગેંગના અન્‍ય ત્રણથી વધુ શખ્‍સોની સંડોવણી હોવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક બેંક ખાતાઓ અને નાણાકીય વ્‍યવહારોના તાર રાજસ્‍થાન સુધી જોડાતા હોવાનું પણ સામે આવ્‍યું છે. જેના આધારે પોલીસ ફરીથી રાજસ્‍થાન સહિત અન્‍ય રાજ્‍યોમાં તપાસનો વ્‍યાપ વધારી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્‍યા મુજબ, આરોપીની પૂછપરછમાંથી વધુ મહત્‍વની માહિતી મળવાની શકયતા છે અને આગામી દિવસોમાં આ ગેંગના અન્‍ય સભ્‍યોની પણ ધરપકડ થઈ શકે છે.

(1:22 PM IST)