<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

૬૦ થી ૭૦%જેટલા શિક્ષકો વસ્‍તીગણતરીમાં વ્‍યસ્‍ત બીજી તરફ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

કેશોદ પંથકમાં શિક્ષકોની પાંખી હાજરી વચ્‍ચે ૧૭૭ શાળાઓ શરૂ

( સંજય દેવાણી દ્વારા ) કેશોદ, તા.૮: ૩૫ દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી પુનઃ સ્‍થાનિક કેશોદ શહેર તથા તાલુકાની પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ વસ્‍તી ગણતરી ની વ્‍યસ્‍તતા ના કારણે શિક્ષકોની પાંખી હાજરી વચ્‍ચે પણ કાર્યરત થઈ જવા પામેલ છે.

૨૦૨૫ -૨૬ ના બીજા સત્રમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિણામો જાહેર થતા ગત તારીખ ૩ મે ના રોજ શાળાઓમાં ઉનાળું વેકેશન પડેલ હતું. જે આજ રોજશાળાઓ ખુલતા, ૨૦૨૬ - ૨૭ ના વર્ષ માટે નવા સત્ર નો પ્રારંભ થઈ જવા પામેલ છે.

આ સાથે સ્‍થાનિક કેશોદ શહેર તથા તાલુકામાં અંદાજે ૧૫૭ પ્રાથમિક શાળા તથા ૨૦ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા મળી કુલ ૧૭૭ જેટલી છેલ્લા ૩૫ દિવસ થી સુની પડેલ શાળાઓમાં વિદ્યાર્થી ઓ નો કલબલાટ પુનઃ શરૂ થઈ જવાબ આપેલ છે.

અત્રે નોંધનીય છે કે, વિદ્યાર્થીઓએ શિક્ષક કાર્યથી મુક્‍ત રહી સતત છેલ્લા ૩૫ દિવસ સુધી વેકેશનની રજાની મજા માણેલ હતી. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ૨૦૨૬ -૨૭ ના શૈક્ષણિક વર્ષ માટે જાહેર થયેલ કેલેન્‍ડર મુજબ હવે પછી પાંચ માસ બાદ આગામી ૫ નવેમ્‍બર થી ૨૫ નવેમ્‍બર સુધી ૨૧ દિવસ નુ વેકેશન રહેશે.

જ્‍યારે ઉનાળુ વેકેશન ૩ મે થી ૬ જૂન ૨૦૨૭ સુધી ૩૫ દિવસનું રહેશે. વર્ષ દરમિયાન રવિવાર ઉપરાંત વધારાની ૨૦ જાહેર રજાઓ ૪ સ્‍થાનિક રજા તેમજ દિવાળી તથા ઉનાળુ વેકેશન સહિત કુલ ૮૦ જેટલી રજાઓનો લાભ મળશે. આ સ્‍થિતિ વચ્‍ચે પ્રથમ સત્રમાં ૧૨૦ દિવસ તથા બીજા સત્રમાં ૧૨૪ દિવસ મળી કુલ ૨૪૪ દિવસ નુ શૈક્ષણિક કાર્ય રહેશે.

ગુજરાત અનેસમગ્ર ભારત મા સૌપ્રથમ વખત ડિજિટલ વસ્‍તી ગણતરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેના અનુસંધાને હાલ ૧ જૂન થી ૩૦ જૂન સુધી પ્રથમ તબક્કા માં મકાનો ની યાદી બનાવવા માટે શિક્ષકો સહિતના કર્મચારીઓ ને આ કામગીરી સોંપવામાં આવેલ છે. આ કાર્યમાં કેશોદ વિસ્‍તારમાંથી લગભગ ૬૦ થી ૭૦ ટકા જેટલા શિક્ષકો જોડાયેલા હોય જેના કારણે આગામી ૨૦ દિવસ સુધી શૈક્ષણિક સંસ્‍થાઓમાં શિક્ષકોની હાજરી પાંખી રહે તેવું જણાઈ રહેલ છે. 

 

(12:06 PM IST)