તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
બગસરાથી સાપર અને સુડાવડ ગામને જોડતા મુખ્ય માર્ગનું કામ છેલ્લા એક વર્ષથી અધૂરું :ખેડૂતો અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું
વહીવટી તંત્ર દ્વારા કામ શરૂ કરવાના નામે જૂનો ડામર રોડ તોડી નાખવામાં આવ્યો હતો, પરંતુ તેના સ્થાને નવો રોડ હજુ સુધી તૈયાર કરવામાં આવ્યો નથી.

બગસરાથી સાપર અને સુડાવડ ગામને જોડતા મુખ્ય માર્ગનું કામ છેલ્લા એક વર્ષથી અધૂરું હોવાના કારણે આજે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. લાંબા સમયની ધીરજ ખૂટતાં આજે રોષે ભરાયેલા ગ્રામજનો અને ખેડૂતો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બગસરાથી સાપર સુધીના આશરે 6 કિલોમીટર લાંબા રોડનું કામ છેલ્લા એક વર્ષથી મંથર ગતિએ ચાલી રહ્યું છે અથવા તો તદ્દન ઠપ્પ પડ્યું છે. વહીવટી તંત્ર દ્વારા કામ શરૂ કરવાના નામે જૂનો ડામર રોડ તોડી નાખવામાં આવ્યો હતો, પરંતુ તેના સ્થાને નવો રોડ હજુ સુધી તૈયાર કરવામાં આવ્યો નથી. રોડ પર માત્ર કપચી અને ધૂળના સામ્રાજ્યને કારણે આખો માર્ગ બિસ્માર અને ઉબડખાબડ બની ગયો છે.
સાપર અને સુડાવડ ગામના લોકોને બગસરા શહેર કે અન્ય વિસ્તારોમાં જવા માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે. રોડની દયનીય સ્થિતિના કારણે રોજિંદા વાહનચાલકો, દર્દીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સૌથી વધુ માઠી અસર સ્થાનિક ખેડૂતો પર પડી છે. હાલ ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે અને ખેતીની સિઝન શરૂ થવા પર છે, ત્યારે ખેડૂતોને પોતાની વાડી કે ખેતર સુધી બળદગાડા, ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈને પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિસ્માર રસ્તાને કારણે વાહનોમાં નુકસાની અને અકસ્માતનો ભય સતત રહે છે.
આ ગંભીર સમસ્યા અંગે સાપર ગામના સરપંચ દ્વારા સંબંધિત વિભાગ અને તંત્રના ઉચ્ચ અધિકારીઓને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોએ વારંવાર તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા તંત્ર દ્વારા કોઈ જ સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નહોતી. પરિણામે, સ્થાનિક લોકોમાં તંત્રની આ ઉદાસીનતા સામે ભારે રોષ વ્યાપી ગયો હતો.
વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા, આજે સાપર અને બગસરાના ખેડૂતો તેમજ ગ્રામજનો એકઠા થઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ગ્રામજનોએ માર્ગ બંધ કરી ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. લોકોએ રસ્તા પર જ બેસીને સરકાર અને તંત્ર સામે 'રામધૂન' બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
