<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

વીજ કંપનીની દાદાગીરીનો પરચો: સ્માર્ટ મીટરનો વિરોધ કરનાર ગ્રાહકોના કનેક્શન કાપી નાખતા ખળભળાટ!

ચોરવાડમાં સ્માર્ટ મીટરના ફરજિયાત અમલીકરણ મુદ્દે વિવાદ વકર્યો; કનેક્શન કપાતા ભડકેલા લોકો અને AAP ના નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા

ચોરવાડ : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી 'સ્માર્ટ મીટર' વિરુદ્ધ ચાલી રહેલો વિવાદ હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં વીજ કંપનીની મનમાનીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જે ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવવાની સ્પષ્ટ ના પાડી હતી, તેમના વીજ કનેક્શન જ કાપી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ અમાનવીય કાર્યવાહીના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને અસરગ્રસ્ત લોકો પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે.
માળીયા હાટીનાના ખોરાસા ગામે અધિકારીઓની દાદાગીરી
આ સમગ્ર મામલે AAPના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગામે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના અધિકારીઓ અને તેમના મળતીયાઓ દ્વારા ગ્રાહકોને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જે લોકોએ સ્માર્ટ મીટરનો સ્વીકાર ન કર્યો, તેમના ઘરોના વીજ કનેક્શન કાપી નાખી તેમને અંધારામાં રાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વીડિયો પુરાવાઓ સાથે સ્થાનિકો પોલીસ ફરિયાદ લખાવવા ચોરવાડ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.
કોઈ સરકારી ગાઈડલાઇન નથી, તો આ દાદાગીરી શા માટે?
ફરિયાદમાં એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર કે વીજ વિભાગ પાસે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા અંગેની કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. આ અંગે જામનગરના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી RTIમાં પણ સ્પષ્ટ થયું છે કે આવી ફરજિયાત કામગીરીને કોઈ કાયદાકીય પીઠબળ નથી. આટલું જ નહીં, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનો પણ સ્માર્ટ મીટર ફરજિયાત કરવાનો કોઈ આદેશ નથી. છતાં, સ્થાનિક સ્તરે અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે, જેનાથી ગ્રાહકો માનસિક અને આર્થિક રીતે હેરાન થઈ રહ્યા છે.
લોકશાહીમાં અંધાધૂંધીનો માહોલ
એક તરફ જ્યારે સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે, ત્યારે વીજ કંપની દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહીથી નાગરિકોમાં ભયનો માહોલ છે. વીજ કનેક્શન કાપી નાખવા જેવી કઠોર કાર્યવાહીને કારણે વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં આ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ વીજ કંપનીના અધિકારીઓની દાદાગીરી સામે તપાસની માંગ ઉઠી છે. જો સમયસર આ મામલે પગલાં લેવામાં નહીં આવે, તો આ વિરોધ આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

(8:22 PM IST)