<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

જૂનાગઢમાં ભેસાણના વેપારી પાસેથી પચ્‍ચીસ લાખ લઈ જનાર બે પકડાયા

મોજ મજા માટે રૂપિયા લઈ ગયા'તા, ત્રીજા શખ્‍સની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૬ : જૂનાગઢમાં ભેસાણના વેપારી પાસેથી ૨૪.૯૯ લાખ લઈ જનાર ૨ શખ્‍સને પોલીસે પકડી પાડી રૂપિયા ૨૪ કલાક રોકડા અને ગુના માટે ઉપયોગમાં લેવાયેલી કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભેસાણમાં ભાગીદારીમાં અનાજનો કમિશનથી વેપાર કરતા ૨૩ વર્ષીય રીઝવાનભાઇ રફીકભાઇ પરમારે ગઇ તા. ૧ના રોજ ખેડુતને આપવાના રૂપીયા ૨૪.૯૯ લાખ જૂનાગઢમાં સક્કરબાગ પાસે આવેલ એચડીએફસી બેંકમાંથી ઉપાડી તેની સાથે આવેલ તેના મિત્ર અંજુમ પરમાર સાથે કારમાં રવાના થયા હતા.

પરંતુ સક્કરબાગ પાસે રામદેવપરાના નાકા પાસે પહોંચતા ત્‍યાં એક કાર આડે આવી ઉભી રહેતા અંજુમ રૂપિયા ૨૫ લાખ ભરેલ થેલો લઈ તેના મિત્રો વૈભવ નિમ્‍બાર્ક તથા ચિરાગ પરમાર સાથે તેની કારમાં બેસી નાસી ગયો હતો.

આ પછી વેપારીએ ત્રણેય શખ્‍સને રૂપિયા પરત આપી જવા કહ્યું હતું પરંતુ રૂપિયા ૨૪.૯૯ લાખ પરત નહીં આપતા આખરે વેપારીએ ગુરુવારે રાત્રે એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે વિશ્વાસધાતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ ફરિયાદના પગલે પીઆઇ એસ. કે. દેસાઈના માર્ગદર્શનમાં પીએસઆઇ વાય. એન. સોલંકીની ટીમે તપાસ હાથ ધરી આરોપી અંજુમ વલીભાઈ પરમાર અને ચિરાગ અમીનભાઇ પરમારને ઝડપી લઇ રૂપિયા ૨૪ લાખ અને જીજે ૩૮ બીજી ૨૯૪૩ નંબરની કાર કબ્‍જે કરી હતી.

પોલીસ પૂછપરછમાં શખ્‍સોએ મોજ મજા માટે કારસ્‍તાન કર્યું હોવાની કબુલાત કરી હતી. ૨૫ લાખ મળતા રૂપિયા ૬૦,૦૦૦નું દાન કર્યું હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે ફરાર વૈભવ નિમ્‍બાર્કને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

(11:35 AM IST)