તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
જામનગરઃ ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાઃ કાર્યકરો ઉમટયા
વિશ્વકર્મા બાગમાં ૧૩૦ થી વધુ એડવોકેટની ફોજ ઉતારાઈઃ ૧૬ વોર્ડ માટેની અલગ અલગ વ્યવસ્થા ગોઠવી ઉમેદવારી પત્રો ભરવા તૈયારી

(મુકુંદ બિદયાણી દ્વારા)જામનગર તા ૧૧: પાલિકાની આવનારી ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં જોરદાર ધમધમાટ જોવા મળ્યો હતો.
જામનગરના ગાંધીનગર રોડ ખાતે આવેલા વિશ્વકર્મા બાગમાં ગત રાત્રિના ૧૨ વાગ્યાથી જ ઉમેદવારી ફોર્મ ભરવા માટેની જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિહ જેઠવા,મૃગેશ દવે, ભાવેશ ઠુમર અને શહેર ભાજપના અન્ય હોદ્દેદારો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉમેદવારી પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ ૧૩૦થી વધુ એડવોકેટ્સની ટીમ તહેનાત રાખવામાં આવી હતી, જેમણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં જરૂરી કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમજ તમામ ૧૬ વોર્ડ માટે અલગ-અલગ ટેબલો ગોઠવીને ઉમેદવારોને ક્રમબદ્ધ રીતે ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રિના સમયે પણ કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આખી પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનથી ભાજપની ચૂંટણી તૈયારીઓની ગંભીરતા અને સુવ્યવસ્થિત અભિગમ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
