તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
ભાવનગર ભાજપમાં ભડકોઃ સિનિયરોની અવગણના
પૂર્વ મેયરની ફરી નારાજગીએ ચર્ચા જગાવીઃ પાર્ટી કોઈના બાપની નથી, અમે બનાવી છેઃ કથિત અપમાન બાદ ભરત બારડના આકરા તેવર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૧: મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાવનગર ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટની રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ મેયર ભરત બારડ સાથે થયેલી ખેંચતાણ અને તેમને કાર્યાલયમાંથી બહાર કાઢવાની ઘટનાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. એક તરફ શિસ્તના પાઠ ભણાવતી પાર્ટીમાં ધોળા દિવસે પૂર્વ મેયરનું અપમાન થયાના વીડિયો વાયરલ થયા છે, તો બીજી તરફ ખુદ ભરત બારડે આક્ષેપોને ફગાવી પક્ષભક્તિનો રાગ આલાપ્યો છે.
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પૂર્વ મેયર ભરત બારડ પોતાની વાત રજૂ કરવા શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેઓ શહેર પ્રમુખ કુમાર શાહને મળવા માંગતા હતા, પરંતુ તેમને ચેમ્બરમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.
કાર્યાલયની બહાર નીકળતી વખતે ભરત બારડ અત્યંત ક્રોધમાં જોવા મળ્યા હતા. ર્પાકિંગમાં પોતાનું સ્કૂટર લેતી વખતે તેમણે હાજર લોકો સમક્ષ બળાપો કાઢતા કહ્યું હતું કે, ‘પાર્ટી કોઈના બાપની નથી, અમે મહેનત કરીને આ પાર્ટી બનાવી છે.' આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે ઙ્કસારિત થતા શહેર ભાજપના સંગઠનમાં સોપો પડી ગયો છે.
નવાઈની વાત એ છે કે, આટલી મોટી ઘટના અને વીડિયો પુરાવા હોવા છતાં, બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ભરત બારડે નવો જ વળાંક લીધો હતો. તેમણે જણાવ્યું કે, મારી સાથે કોઈ ગેરવર્તન થયું નથી, હું માત્ર ચા પીને બહાર આવ્યો છું. બાવડું પકડીને બહાર કાઢવાની વાત માત્ર અફવા છે. હું પક્ષનો શિસ્તબદ્ધ કાર્યકર છું અને પક્ષનો નિર્ણય મારા માટે શિરોમાન્ય છે. જૂના વિવાદાસ્પદ મેસેજો અને નારાજગી અંગે પૂછતા તેમણે મૌન સેવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અઢી વર્ષ સુધી ભાવનગરના મેયર તરીકે સેવા આપનાર ભરત બારડ પોતાની સાદગી માટે પણ જાણીતા છે. મેયર પદની ટર્મ પૂર્ણ થતા જ તેઓ કોઈ પણ દેખાડા વગર વડવા વિસ્તારમાં આવેલી પોતાની લોખંડના વેલ્ડિંગની જૂની દુકાને કામે વળ્યા છે. ભાડાના મકાનમાં રહીને સામાન્ય કારીગરની જેમ કામ કરતા પૂર્વ મેયરની એક તરફ પ્રશંસા થઈ રહી છે, ત્યારે બીજી તરફ સંગઠન સાથેનો તેમનો આ વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
