તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th April 2026
ભાવનગરમાં દારૂ બિયરના રૂ.૧૧ લાખથી વધુના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાઃ બૂટલેગર ફરાર
મામાના કહેવાથી ભાણીયાએ બંગલો ભાડે રાખેલઃ મિત્રને પગાર ઉપર રાખેલો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૦: લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઈ બારૈયા (રહે. ઘોઘા જકાતનાકા)ના માણસો કાળુભા રોડ પર આવેલા નાનભા વાડી વિસ્તારના એક બંગલામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેની હેરાફેરી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ આધારે એલ.સી.બી.ની ટીમે સ્થળ પર દરોડો પાડતા ત્યાં હાજર બે શખ્સો સુનિલ રામજીભાઈ મકવાણા (રહે. અકવાડા) અને પ્રણવ મુકેશભાઈ ડોડિયા (રહે. કાળિયાબીડ) ને દબોચી લીધા હતા.
પોલીસે બંગલાની તલાશી લેતા ત્યાંથી વિદેશી દારૂની ૩૭૪૪ બોટલો તેમજ ૧૨૦ બિયરના ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂના જથ્થામાં મેજિક મોમેન્ટ રીમીક્ષ વોડકા, ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કી અને સ્પેશિયલ રેર વ્હીસ્કી જેવી બ્રાન્ડની અંદાજે ૧૧ લાખની કિંમતની બોટલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોલીસે બે સ્કૂટર અને પાંચ મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે.
પકડાયેલા આરોપી સુનિલ મકવાણાની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુનિલે કબૂલાત કરી હતી કે, તેના મામા હરેશ ઉર્ફે ભયલુના કહેવાથી તેણે આ બંગલો માસિક રૂ.૨૮,૦૦૦ના ભાડા પેટે રાખ્યો હતો. દારૂની ડિલિવરી માટે તેણે તેના મિત્ર પ્રણવને દર મહિને ૨૫ હજારના પગાર પર રાખ્યો હતો. આ દારૂનો જથ્થો ભયલુનો હતો અને મામા જે રીતે સૂચના આપે તે મુજબ તેઓ દારૂ સપ્લાય કરતા હતા.
આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હરેશ ઉર્ફે ભયલુ રીઢો ગુનેગાર છે અને તેની સામે ભાવનગર, પાલીતાણા, મહુવા, રાજકોટ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં અત્યાર સુધીમાં દારૂની હેરાફેરીના કુલ ૩૨ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂકયા છે. એલ.સી.બી.ની ટીમે હાલ ફરાર ભયલુને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને પકડાયેલા બંને શખ્સો સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
