<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

જીવદયાની ભાવનાથી કરાયેલું દાન અને તપ આત્‍માને શુદ્ધ કરે છેઃ મુનિશ્રી નયશેખર મ.સા.

કુંઘેર ગામ (પાટણ)ની ચુડેલમાતા ગૌશાળામાં ગાયો માટે જૈનમુનિ દ્વારા બે ટ્રેક્‍ટર ચારો અર્પણ કરાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯: પાટણ જીલ્‍લાના કુંઘેર ગામે ચુડેલ માતા મંદિરના આંગણે એક સુંદર મજાની ગૌશાળા આવેલ છે. આ ગૌશાળામાં માનવતાના મસીહા પ.પૂ.આ.ભ.શ્રીમદ્દ વિજય રત્‍નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્‍યરત્‍ન પ.પૂ.મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના જન્‍મદિવસ નિમિત્તે પ્રેમરત્‍ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ એવં પ્રેમરત્‍ન પરિવાર દ્વારા ગાયો માટે બે ટ્રેકટર સૂકા પૂળાના ચારા ના અર્પણ કરવામાં આવેલ. સાથે સાથે ૨૦૦ કિલો તરબૂચ ખવડાવવામાં આવેલ.આ અવસરે ગાયો માટેની જીવદયાની સેવાનો લાભ માતુશ્રી રંજનબેન ધનજી દેઢિયા,ગામ-કચ્‍છ-કોડાય,હાલે- મુંબઇ-મલાડ વાળા પરિવારે લીધો હતો. ખૂબ ઉદાર દિલે પોતાની લક્ષ્મીનો સદઉપયોગ કરી જીવદયાનું આ કાર્ય કરાયું હતું. આ પ્રસંગે પૂ.મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ એ જણાવેલ કે જીવદયા એ જૈન ધર્મનું હૃદય અને આત્‍મા છે. જૈન દર્શન અનુસાર જગતમાં રહેલો દરેક જીવ સૂક્ષ્મ કે સ્‍થૂલ આત્‍માવાન છે અને સુખ-દુઃખની અનુભૂતિ કરે છે.તેથી કોઈપણ જીવને મન,વચન કે કાયાથી દુઃખ ન પહોંચાડવું એ જ સાચી ધર્મ સાધના છે.‘‘અહિસા પરમો ધર્મઃ''નો ઉપદેશ જીવદયાનો સર્વોચ્‍ચ આધાર છે.જૈન ધર્મમાં જીવદયા માત્ર ભાવના નહીં,પરંતુ વ્‍યવહારિક જીવનપદ્ધતિ છે.પાણી ગાળવું, સૂર્યાસ્‍ત પછી ભોજન ન કરવું,અનાવશ્‍યક હિંસા ટાળવી, પ્રાણી ઓની સેવા કરવી.આ બધાં નિયમો જીવદયાને દૈનિક જીવનમાં ઉતારવા માટે છે. જીવદયાથી કરાયેલું દાન અને તપ આત્‍માને શુદ્ધ કરે છે અને કર્મબંધન ઘટાડે છે. આ અવસરે ચુડેલમાતા મંદિરના પ્રમુખશ્રી બચુભાઈ નાયક એ ખૂબ સુંદર સાથ સહકાર આપેલ.સાથે સાથે ચુડેલમાતા મંદિર એવં ગૌશાળાના સ્‍ટાફ ગણે પણ સાથ સહકાર પ્રાપ્ત થયેલ.

(10:06 AM IST)