<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

જૂનાગઢના યુવાનને વ્‍યાજખોર મહિલાની ટાટીયા ભાંગી નાખવાની ધમકી

નાણાંની જરૂરિયાત પડતા ૩૦,૦૦૦ વ્‍યાજે લીધા'તા, ૩ હપ્તા નહીં ચૂકવાતા ૬,૦૦૦ કઢાવી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૭: જૂનાગઢના એક યુવાને લીધેલા નાણાના ત્રણ હપ્તા ચૂકવી નહી શકતા મહિલા વ્‍યાજખોરે ટાઢીયા ભાંગી નાખવાની ધમકી આપી બળજબરીથી ૬,૦૦૦ પડાવી લીધા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢના જોષીપરામાં આવેલ દીપલ પાર્કમાં રહેતા અને ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવતા ૩૪ વર્ષીય અસરફભાઈ અનવરભાઈ બ્‍લોચેને ગત ફેબ્રુઆરી ૨૦૨૪માં નાણાંની જરૂરિયાત પડતા તેમણે જોષીપરા આંબાવાડી વિસ્‍તારમાં જ રહેતા દિવ્‍યાબેન કિશોરભાઈ સાવલાણીનો સંપર્ક કર્યો હતો. મહિલાએ ૧૦ ટકાના વ્‍યાજે ૩૦,૦૦૦ આપવાનું નક્કી કર્યું હતું અને ચાલુ મહિનાનું વ્‍યાજ કાપી ૨૪,૦૦૦ આપ્‍યા હતા. સાથે દર ગુરુવારે વ્‍યાજ પેટે ૨,૦૦૦નો હપ્તો ચૂકવવાની શરત મૂકી હતી. એટલું જ નહીં, ગેરંટી તરીકે યુવાન પાસેથી બે કોરા ચેક પણ લખાવી લેવામાં આવ્‍યા હતા. અસરફભાઈએ નિયમિત વ્‍યાજ ચૂકવ્‍યું હતું, પરંતુ ધંધામાં મંદી હોવાથી છેલ્લા ત્રણ હપ્તા ચૂકવવામાં વિલંબ થયો હતો. આથી ઉશ્‍કેરાયેલા મહિલાએ યુવકને પોતાની ઓફિસે બોલાવી મારી પાસે માણસો છે, તને રોડ ઓળંગવા નહીં દઉં અને તારા ટાંટિયા ભાંગી નાખીશ એવી ધમકી આપી યુવાને દવા લેવા રાખેલા રૂપિયા ૬,૦૦૦ ત્રણ હપ્તા પેટે બળજબરી કઢાવી લીધા હતા.

આખરે અસરફભાઈએ ગઈકાલે ફરિયાદ કરતા તાલુકા પોલીસે દિવ્‍યા સાવલાણી વિરુધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(10:58 AM IST)