તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ગૂગલ મેપની ભૂલ સુધારાઈ: સોમનાથના સાંકડા બજારમાં ફસાતા પ્રવાસીઓને મળી મોટી રાહત
પ્રભાસ પાટણના મુખ્ય ઝાંપાથી બજારમાં જતા ખોટા રસ્તાને બદલે હવે 'સોમનાથનો રસ્તો આગળ છે' તેવા દિશાસૂચક બોર્ડ લાગ્યા, એડવોકેટની રજૂઆત બાદ પોલીસ તંત્રએ ટ્રાફિકની સમસ્યા હલ કરવા લીધો મહત્વનો નિર્ણય

પ્રભાસ પાટણ : વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગૂગલ મેપની એક ટેકનિકલ ભૂલ મોટી મુસીબત બની રહી હતી, જેનો હવે સુખદ અંત આવ્યો છે. અત્યાર સુધી ગૂગલ મેપમાં સોમનાથ મંદિર જવા માટેનો રસ્તો પ્રભાસ પાટણના મેઈન ઝાંપા એટલે કે શિવ પોલીસ ચોકીથી સીધો મુખ્ય બજારમાં બતાવવામાં આવતો હતો. આ લોકેશનને અનુસરીને અજાણ્યા પ્રવાસીઓ પોતાના ફોર-વ્હીલર લઈને સાંકડી બજારમાં ઘૂસી જતા હતા. જોકે, પ્રભાસ પાટણની મુખ્ય બજાર અત્યંત સાંકડી અને સતત લોકોની ભીડથી વ્યસ્ત હોવાથી મોટા વાહનો ત્યાં ફસાઈ જતા હતા, જેના કારણે યાત્રાળુઓને વડલા પોલીસ ચોકીથી પરત ફરવું પડતું અને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
યાત્રાળુઓની આ ગંભીર પરેશાની અને સાંકડી બજારમાં સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાને ધ્યાને લઈને સ્થાનિક એડવોકેટ કમલેશભાઈ બામણીયા દ્વારા ઉચ્ચ કક્ષાએ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, ગૂગલ મેપના ખોટા રસ્તાને લીધે પ્રવાસીઓ હેરાન થાય છે અને તેનાથી સ્થાનિક તંત્ર તેમજ સોમનાથ ટ્રસ્ટની છાપ પણ ખરડાય છે. આ રજૂઆતને પગલે પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય બજારના પ્રવેશદ્વાર પાસે સ્પષ્ટ અક્ષરોમાં દિશાસૂચક બોર્ડ લગાવી દીધા છે. આ બોર્ડ પર 'સોમનાથનો રસ્તો આગળ છે' તેવી સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે, જેથી હવે વાહનચાલકો ભુલથી પણ સાંકડી બજારમાં પ્રવેશતા નથી.
તંત્ર દ્વારા લેવામાં આવેલા આ પ્રજાલક્ષી નિર્ણયથી હવે સોમનાથ આવતા યાત્રાળુઓ સીધા બાયપાસ રસ્તા પરથી મંદિરે પહોંચી શકશે. અગાઉ જે પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેતા હતા, તેમને હવે આ બોર્ડ લાગવાને કારણે ભીડભાડ વાળા રસ્તા પર જવાની જરૂર રહેશે નહીં. આ વ્યવસ્થાથી માત્ર પ્રવાસીઓને જ નહીં, પરંતુ સ્થાનિક વેપારીઓ અને રહીશોને પણ ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી છુટકારો મળ્યો છે. અજાણ્યા પ્રવાસીઓ માટે હવે સોમનાથ પહોંચવું વધુ સુગમ અને સરળ બન્યું છે, જેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
