તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
વેરાવળ બંદર પર રાષ્ટ્રીય વહાણવટા દિવસની શાનદાર ઉજવણી: દરિયાકાંઠે ગુંજી ઉઠ્યું રાષ્ટ્રગાન
ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં નિવૃત્ત થતા કર્મચારીના હસ્તે ધ્વજવંદન કરાવી રખાયું માન, પોર્ટ ઓફિસર હિરેન સોંદરવા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પરંપરાગત દાંડિયા રાસની રમઝટ સાથે દરિયાઈ વારસાને અપાઈ સલામી

વેરાવળ : સોમનાથ-વેરાવળના દરિયાકાંઠે આજે રાષ્ટ્રીય વહાણવટા દિવસની આન-બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વેરાવળ બંદર ખાતે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશના સમુદ્રી ઈતિહાસ અને વહાણવટાના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું. આ વર્ષની ઉજવણીમાં એક પ્રેરણાદાયી પરંપરા જોવા મળી હતી, જેમાં મે માસમાં વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થઈ રહેલા પટાવાળા સતાર ગુલામ હુસેન બીલીમના વરદ હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, નાનામાં નાના કર્મચારીનું સન્માન એ જ સાચી કાર્યસંસ્કૃતિ છે. ધ્વજવંદન બાદ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને સુરક્ષા જવાનોએ તિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પોર્ટ ઓફિસર હિરેન સોંદરવાએ પ્રાસંગિક સંબોધન કરતા રાષ્ટ્રીય વહાણવટા દિવસના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતના આર્થિક વિકાસમાં બંદરો અને દરિયાઈ માર્ગોનો ફાળો અત્યંત મહત્વનો છે અને વેરાવળ બંદર આ દિશામાં સતત કાર્યરત છે. ઉજવણીના ભાગરૂપે બંદર પર કાર્યરત સુરક્ષા જવાનો અને સ્ટાફ માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહાણવટા સાથે જોડાયેલા શ્રમિકો અને વ્યાપારીઓ માટે આ દિવસ એક ઉત્સવ સમાન બની રહ્યો હતો. દરિયાઈ પટ્ટી પર રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળતા સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઔપચારિક કાર્યક્રમ બાદ વેરાવળ બંદરના સ્ટાફ અને સુરક્ષા જવાનોએ પરંપરાગત દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર બંદર પરિસર ગુંજી ઉઠ્યું હતું. બંદરની સુરક્ષામાં તૈનાત જવાનોએ શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આજના આધુનિક યુગમાં પણ વહાણવટા ક્ષેત્રમાં ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે તેની ગૌરવગાથા આ પ્રસંગે યાદ કરવામાં આવી હતી. અંતમાં તમામ અધિકારીઓએ બંદરની સુવિધાઓ અને ભવિષ્યના આયોજનો અંગે પણ ચર્ચા કરી હતી, જેનાથી વેરાવળ બંદરની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બને.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
