<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

કેન્દ્ર સરકારની કચ્છને મોટી ભેટ : રૂ. 1206.78 કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ નેશનલ હાઇવે સેક્શનના અપગ્રેડેશનને મંજૂરી : પ્રવાસન અને ઉદ્યોગોને મળશે જબરદસ્ત વેગ

​ધોળાવીરા, નારાયણ સરોવર અને 'રોડ-ટુ-હેવન'ની કનેક્ટિવિટી સુદ્રઢ બનશે : રાપરને બાયપાસ મળતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને સરહદી જિલ્લાના આંતરમાળખાકીય વિકાસમાં નવો અધ્યાય લખાશે : મોરબીના ઉદ્યોગો અને કચ્છના પર્યટન સ્થળોને જોડતા નેશનલ હાઇવે સેક્શનના નસીબ ખુલશે

ભુજ:કચ્છના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આર્થિક ક્રાંતિ લાવવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ક્ષેત્રે એક મોટો માસ્ટરપ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લાના અર્થતંત્ર અને ટુરિઝમની જીવાદોરી સમાન બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના અપગ્રેડેશન માટે કેન્દ્ર સરકારે રૂ. 1206.78 કરોડના બજેટને લીલી ઝંડી આપી દીધી છે. આ આધુનિકીકરણથી માત્ર મુસાફરી સરળ નહીં બને, પરંતુ કચ્છના અંતરિયાળ ગામડાઓ અને ઔદ્યોગિક હબ વચ્ચેનું અંતર પણ ઘટશે.

ચિત્રોડ-રાપર-બાલાસર સેક્શન - સિરામિક ઉદ્યોગ અને પ્રવાસનને ફાયદો:
નેશનલ હાઇવે-927C ના ચિત્રોડ-રાપર-બાલાસર સુધીના 57.848 કિલોમીટર લાંબા સેક્શનના અપગ્રેડેશન માટે રૂ. 698.78 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ માર્ગની વિશેષતા એ છે કે તે ચિત્રોડ પાસેના NH-27 (અમૃતસર-જામનગર કોરિડોર) થી શરૂ થઈ બાલાસર નજીક NH-754K પર પૂર્ણ થાય છે.

આ પ્રોજેક્ટથી મોરબીના વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગને મોટો લાભ થશે, કારણ કે ફતેહગઢથી કાચા માલનું પરિવહન હવે વધુ સરળ અને ઝડપી બનશે. આ ઉપરાંત, પ્રવાસીઓમાં લોકપ્રિય એવા ધોળાવીરા, ધોરડો અને મંત્રમુગ્ધ કરનારા 'રોડ-ટુ-હેવન' ને જોડતી કનેક્ટિવિટી વધુ મજબૂત થશે. રાપર શહેર માટે આ યોજનામાં ખાસ બાયપાસનો સમાવેશ કરાયો છે, જેનાથી શહેરી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને માર્ગ સલામતીમાં નોંધપાત્ર વધારો થશે.

નલિયા-નારાયણ સરોવર સેક્શન - ધાર્મિક અને પર્યાવરણીય પ્રવાસનનો વિકાસ:
બીજા મહત્વના પ્રોજેક્ટ તરીકે, નેશનલ હાઇવે-41 પર નલિયાથી નારાયણ સરોવર સુધીના 68 કિલોમીટર લાંબા માર્ગના અપગ્રેડેશન માટે રૂ. 508 કરોડની મંજૂરી અપાઈ છે. પવિત્ર પંચ-સરોવરોમાં સ્થાન ધરાવતા નારાયણ સરોવર ખાતે વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે, જેમના માટે હવે મુસાફરી વધુ સુગમ બનશે.

આ માર્ગના સુધારાથી વન્યજીવ પ્રેમીઓ માટે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સેન્ચ્યુરી (લાલા-પરજન) અને નારાયણ સરોવર વન્યજીવ સેન્ચ્યુરી સુધી પહોંચવું સરળ બનશે. ટેકનિકલ દ્રષ્ટિએ આ પ્રોજેક્ટમાં અકસ્માત-સંભવિત 'બ્લેક સ્પોટ્સ' ને સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી મુસાફરી સુરક્ષિત બનશે. આ માર્ગના અપગ્રેડેશનથી નારાયણ સરોવરથી મુંદ્રા પોર્ટ સુધીનું અંતર કાપવામાં સમયની બચત થશે અને માલસામાનની અવરજવરને પણ ગતિ મળશે.
આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ વેગવંતી બનશે અને સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થવાની અપેક્ષા છે.

(4:17 PM IST)