તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
જામનગર પોલીસના નેત્રમ પ્રોજેક્ટની કમાલ : અરજદારના ખોવાયેલા ૬ લાખ રૂપિયા ગણતરીના કલાકોમાં શોધી આપ્યા : ડો. રવિ મોહન સૈની અને વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સીસીટીવી કેમેરાની મદદથી સફળતા : જુઓ વિડીયો
હનુમાન ગેટ પાસે પડી ગયેલી રોકડ ભરેલી થેલી એક સાયકલ સવાર ભંગારના ફેરીયાને મળી હતી : પો.સબ.ઈન્સ. બી.બી. સિંગલ અને નેત્રમની ટીમે સોશિયલ મીડિયા તથા ટેકનોલોજીના સમન્વયથી વેપારીના પરસેવાની કમાણી પરત કરાવી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:જામનગર શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરીને એક વેપારીના ખોવાયેલા ૬,૦૦,૦૦૦/- રૂપિયા માત્ર ગણતરીના કલાકોમાં પરત અપાવીને પ્રામાણિકતા અને પોલીસની કાર્યક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાની સૂચના મુજબ નેત્રમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ઘટનાની વિગત અને વેપારીની અરજી
જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય વેપારી તિરથભાઇ એ. લાલવાણીએ આજે તારીખ ૦૫/૦૪/૨૦૨૬ ના રોજ સવારના આશરે ૧૧:૩૦ વાગ્યે નેત્રમ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. તેઓ પોતાના જ્યુપીટર મોટરસાયકલ નંબર GJ-10-EJ-1323 પર ઘરેથી સુપરમાર્કેટ સ્થિત પોતાની દુકાને જઈ રહ્યા હતા. મોટરસાયકલના આગળના ભાગમાં ત્રણ થેલીઓ લટકાવેલી હતી, જેમાંથી એક થેલીમાં ૬,૦૦,૦૦૦/- રૂપિયાની રોકડ રકમ હતી. હનુમાન ગેટથી અંબર ચોકડી વચ્ચે આ રોકડ ભરેલી થેલી ક્યાંક પડી ગઈ હોવાની જાણ થતા તેમણે તુરંત પોલીસની મદદ માંગી હતી.
સીસીટીવી અને પોલીસનું સચોટ સર્વેલન્સ
પો.સબ.ઈન્સ. બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પરેશભાઇ ખાણધર, પો.હેડ.કોન્સ. પ્રદિપસિંહ સોઢા તથા પો.કોન્સ. જેશાભાઇ ડાંગર, મિતલબેન સાવલીયા, પારૂલબા જાડેજા અને દિવ્યાબેન વાઢેરની ટીમે હનુમાન ગેટ અને જી.જી. હોસ્પિટલ રોડના સીસીટીવી કેમેરા તપાસવાનું શરૂ કર્યું હતું. સર્વેલન્સ દરમિયાન કેમેરામાં દેખાયું કે જી.જી. હોસ્પિટલથી અંબર રોડ વચ્ચે આ થેલી પડી ગઈ હતી, જે લાલ કલરનું શર્ટ પહેરેલા એક ૩ વ્હિલની સાયકલવાળા ભંગારના ફેરીયાને મળી હતી. પોલીસે તુરંત તે ઇસમનો ફોટો કેમેરામાંથી મેળવી જામનગર પોલીસના ગ્રુપમાં વહેતો કર્યો હતો.
પોલીસ કર્મચારીની સતર્કતા અને પ્રામાણિકતા
થોડી જ વારમાં પો.સ.ઈ. બી.બી. સિંગલને માહિતી મળી કે આ સાયકલ સવાર ઇસમે રોકડ ભરેલી થેલી બાબતે તેના ઓળખીતા કરિયાણાના દુકાનદાર જયેશભાઇ બેરાને વાત કરી હતી. જયેશભાઇના બહેન શ્રીમતી મનિષાબેન બેરા સીટી સી ડીવીઝન પોલીસમાં જ ફરજ બજાવતા હોય, તેમણે તુરંત આ બાબતે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તે ઇસમને જયેશભાઇ બેરા સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યો હતો.
નેત્રમ સેન્ટર ખાતે અરજદાર તિરથભાઇ લાલવાણીને બોલાવી પોલીસની હાજરીમાં તેમની રોકડ રકમ ૬,૦૦,૦૦૦/- ભરેલી થેલી ગણતરીના કલાકોમાં પરત કરવામાં આવી હતી. પોતાની મોટી રકમ સુરક્ષિત પરત મળતા વેપારીએ જામનગર પોલીસ અને નેત્રમની ટીમનો આભાર માન્યો હતો. જામનગર પોલીસની આ ત્વરિત કાર્યવાહીને પગલે શહેરીજનોમાં પોલીસ વિભાગ પ્રત્યે વિશ્વાસની લાગણી વધુ સુદ્રઢ બની છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
