તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ઈશ્વરિયા ગામના મુખ્ય પ્રવેશ માર્ગની મરામત થતાં વાહનચાલકોને મોટી રાહત : ખાડા-ગાબડાંનું સામ્રાજ્ય દૂર કરાયું
રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તંત્રને કડક સૂચના અપાતા યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ : ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગને જોડતા આ મહત્વના રસ્તાની બિસ્માર હાલત અંગે કાર્યકર મુકેશ પંડિતે કરી હતી રજૂઆત

ઈશ્વરિયા:
ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગને જોડતા ઈશ્વરિયા ગામના મુખ્ય પ્રવેશ માર્ગની લાંબા સમયથી ચાલી આવતી બિસ્માર હાલતનો આખરે અંત આવ્યો છે. રસ્તા પરના મોટા ખાડા અને ગાબડાંઓની મરામત કામગીરી પૂર્ણ થતાં ગ્રામજનો અને વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે. આ કામગીરી રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સંબંધિત તંત્રને આપવામાં આવેલી ત્વરિત સૂચનાના પગલે હાથ ધરવામાં આવી હતી.
રજૂઆતના પગલે મંત્રીની ત્વરિત કાર્યવાહી:
ઈશ્વરિયા ગામના પ્રવેશ માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હોવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ ગંભીર પ્રશ્ન અંગે સ્થાનિક કાર્યકર મુકેશ પંડિત દ્વારા રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણીને વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. મંત્રીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈ તુરંત જ સંબંધિત તંત્રવાહકોને કામગીરી શરૂ કરવા આદેશ આપ્યા હતા, જેના પરિણામે રસ્તાની મરામત પ્રક્રિયા ગતિશીલ બની હતી.
વિવિધ સ્તરે રજૂઆતો બાદ ઉકેલાયો પ્રશ્ન:
નોંધનીય છે કે આ રસ્તાની મરામત માટે અગાઉ મુખ્યમંત્રી કાર્યાલય, ભાવનગર જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગને પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે આ માર્ગ સુધારવામાં આવતા વાહનચાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
રસ્તાનું કામ પૂર્ણ થતાં ગામના સરપંચ રમાબેન નાકરાણી, ઉપસરપંચ મેહુરભાઈ ગોહિલ અને અન્ય અગ્રણીઓએ આ કામગીરીમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો છે. રસ્તાની મરામત થવાથી હવે ઈશ્વરિયા ગામમાં અવરજવર કરતા વાહનો માટે મુસાફરી સલામત અને સુગમ બની રહેશે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
