<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

કલ્‍યાણપુરમાં સવા,વેરાવળમાં ૧, ખંભાળીયામાં ગાજવીજ સાથે પોણો, દ્વારકામાં અડધો ઇંચ

સોૈરાષ્‍ટ્ર- કચ્‍છમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલઃ ગોરંભાયેલ વાતાવરણઃ માવઠાથી ખેડુતોની માઠી : રાજકોટ, દ્વારકા, ભાણવડ, તાલાલા, જુનાગઢ, લોધીકા, ખીરસરા, જામનગર સહિત સર્વત્ર વરસતો હળવો- ભારે વરસાદ

 

દેવભુમી દ્વારકા જિલ્લામાં ભર ચોમાસા જેવી સ્‍થિતિ સર્જાઇ છે. ભાણવડમાં ઝાપટામાં દ્વારકામાં અડધો ઇંચ ખંભાળીયામાં પોણો તથા કલ્‍યાણપુર તાલુકામાં સવા ઇંચ વરસાદ પડતા રસ્‍તા પર પાણી પાણી થઇ ગયું છે. નદી નાળામાં પાણી વહેતા થઇ ગયા છે. ભર ચોમાસાની સ્‍થિતિ જેવું વાતાવરણ થતા ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ખંભાળીયા, કલ્‍યાણપુર, વેરાવળમાં પડેલ વરસાદ, ગોંડલમાં છવાયેલ વાદળા નજરે પડે છે. (તસ્‍વીરઃ કૌશલ સવજાણી (ખંભાળીયા), દિપક કક્કડ (વેરાવળ) ભાવેશ ભોજાણી(ગોંડછ) ભીખુપરી ગોસાઇ (ખીરસરા )(૪.૮)

રાજકોટ તા.૩: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં આગાહી મુજબ ઝાપટાથી માંડીને સવાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડતા ભર ઉનાળે ટાઢોડુ છવાઇ ગયુ છે.

કાલે સવારથી સર્વત્ર હવામાનમાં પલ્‍ટો આવ્‍યો હતો અને દેવભુમી દ્વારકા, જામનગર, ગીર સોમનાથ જીલ્લામાં હળવો- ભારે વરસાદ પડયો છે.

આજે પણ સવારથી સર્વત્ર ગોરંભાયેલ વાતાવરણ છે અને સોૈથી વધુ વરસાદ દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુરમાં સવા ઇંચ તથા ખંભાળીયામાં પોણો, દ્વારકામાં અડધો ઇંચ અને ગીર સોમનાથના વેરાવળમાં ૧ ઇંચ તથા અન્‍યત્ર હળવા- ભારે ઝાપટા વરસી રહયા છે.

ખંભાળીયા

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્‍યાણપુરમાં સવા ઇંચ, ખંભાળીયામાં પોણો ઇંચ, દ્વારકામાં અડધો ઇંચ અને ભાણવડમાં વરસાદી ઝાપટા પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે. રસ્‍તા ઉપર પાણી વહેતા થતા ખેડૂતો ચિંતીત થયા છે. સવારના ૧૦ વાગ્‍યા સુધીમાં કલ્‍યાણપુરમાં ૨૫ મી.મી., ખંભાળીયામાં ૧૬ મી.મી., દ્વારકામાં ૭ મી.મી., ભાણવડમાં ૨ મી.મી. વરસાદ પડયો છે. મીઠાપુર દ્વારકા વિસ્‍તારમાં ગઇકાલે પડેલ વરસાદી ઝાપટા પછી આજે સવારે ખંભાળીયામાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો તથા ભાણવડ અને દ્વારકા વિસ્‍તારમાં પણ વરસાદના ઝાપટા પડયા હતા. આકાશ ઘેરાયેલુ હોવા સાથે ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ થઇ ગયુ છે.

વેરાવળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં એક ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ.

વિજળીના કડાકા- ભડાકા સાથે તોફાની પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ચોમાસા જેવો માહોલ છવાયો હતો.

રાજકોટ

રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં વરસાદી છાંટા પડયા હતા અને ગોરંભાયેલુ વાતાવરણ યથાવત છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ માવઠાની આગાહી વચ્‍ચે જુનાગઢ શહેર સોરઠના વાતાવરણમાં પલટો આવતાની સાથે આકાશમાં વાદળો છવાઈ જતા ખેડૂતો ચિંતાતુર  બની ગયા છે.

જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે સવારથી વાતાવરણમાં જોરદાર પલટો આવતા આકાશ વાદળમય થઈ ગયું છે જેની સાથે ઠંડો પવન પણ ફૂંકાતા માવઠાની શકયતા બળવતર બની છે. સવારથી પવન અને આકાશમાં વાદળો છવાઈ જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વહેલી સવારે શિયાળાની અનુભૂતિ થઈ હતી.

બે દિવસ માવઠાની આગાહીના પગલે જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે ખાસ કરીને આંબા ચીકુ અને લીંબુના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સંજોગોમાં બાગાયતી વિભાગ તરફથી પાકના રક્ષણ માટે ટેકનિકલ ભલામણ કરી આવતી તેના પગલા લેવા માટે ખેડૂતોને સાવચેત કરવામાં આવ્‍યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર શહેરમાં આજે વાદળછાંયા વાતાવરણ સાથે ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચોૈહાણ દ્વાનરા) વઢવાણઃ સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ઓચિંતાનો પલટો જોવા મળ્‍યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ત્‍યારબાદ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદી છાંટાને કારણે સમગ્ર વિસ્‍તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે.માર્ગો પર હળવો વરસાદ પડતા વાતાવરણ આહલાદક બન્‍યું હતું. જોકે, કમોસમી વરસાદની આ સ્‍થિતિને પગલે ખેડૂતોમાં પાકને લઈને ચિંતાની લાગણી પણ જોવા મળી રહી છે. હાલ સાયલામાં વરસાદી માહોલ યથાવત છે.

ખીરસરા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરાઃ લોધીકા તાલુકા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદી વાતાવરણ સાથે ઝરમર વરસાદ પડયો હતો.

(11:18 AM IST)