તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી : શ્રીહરિ મંદિરમાં ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં ભક્તિમય માહોલ
શ્રીહરિ મંદિરના શિખરો પર નૂતન ધ્વજારોહણ, ૧૦૮ આંકડાના પુષ્પ અને મોદક અર્પણ સાથે હનુમાનજીની ષોડશોપચાર પૂજા : ઋષિકુમારો દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ અને ૧૦૮ દીપદાન મનોરથના દર્શન યોજાયા

પોરબંદર:પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનના પાવન પરિસરમાં આવેલ શ્રીહરિ મંદિરમાં શ્રી મારુતિનંદન હનુમાનજી મહારાજના પ્રાકટ્યોત્સવની શ્રદ્ધા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું. હનુમાન જયંતિના આ પવિત્ર અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી વિશ્વ કલ્યાણની મંગલ કામના કરવામાં આવી હતી.
નૂતન ધ્વજારોહણ અને વિશેષ પૂજન:
દિવસની શરૂઆતમાં જન્મોત્સવના પાવન પ્રસંગે શ્રીહરિ મંદિરના તમામ ગગનચુંબી શિખરો પર વિધિવત રીતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. હનુમાનજી મહારાજની પ્રસન્નતા અર્થે વિદ્યાનિકેતનના ઋષિકુમારો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. ભક્તિસભર વાતાવરણમાં દાદાને ૧૦૮ આંકડાના પુષ્પો અને મોદક અર્પણ કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ ષોડશોપચાર પૂજા અર્ચના કરવામાં આવી હતી.
સંગીતમય સુંદરકાંડ અને દીપદાન:
સાંજના સમયે વાતાવરણ વધુ દિવ્ય બન્યું હતું, જ્યારે ઋષિકુમારો દ્વારા વિવિધ રાગ-રાગણીઓમાં સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠનું ગાન કરવામાં આવ્યું હતું. પવિત્ર મંત્રોચ્ચાર અને સંગીતના સૂરથી ભક્તો ભાવવિભોર બન્યા હતા. ઉત્સવના અંતિમ ચરણમાં મંદિરમાં ૧૦૮ દીપદાન મનોરથના દર્શન યોજાયા હતા, જેમાં અસંખ્ય દીવડાઓના પ્રકાશથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું.
મનોહર શૃંગારના દર્શન:
હનુમાન જયંતિ નિમિત્તે શ્રી હનુમાનજી મહારાજનો અત્યંત મનોહર અને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે આયોજિત આ મહોત્સવે પોરબંદરના ધર્મપ્રેમી જનતામાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કર્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
