<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

જામનગરના એસ.ટી. રોડ પર પાંચ મહિલાઓની ટોળકીનો યુવક પર જાહેરમાં ઘાતક હુમલો : મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ : જૂઓ વિડીયો

જૂની અદાવતમાં સુમરા સમાજના યુવક પર 'નાયકા ગેંગ' દ્વારા હુમલાનો આક્ષેપ : સોનાનો ચેન અને રોકડની લૂંટ કરી હોવાના દાવા સાથે યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

જામનગર:જામનગરના વ્યસ્ત એવા એસ.ટી. રોડ પર ધોળા દિવસે પાંચ મહિલાઓ દ્વારા એક યુવક પર ઘાતક હુમલો કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મહિલાઓની ટોળકી યુવકને જાહેરમાં માર મારતી દ્રશ્યમાન થાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુમરા સમાજના વસીમ હાજીભાઈ ખફી નામના યુવક પર મહિલાઓની ટોળકીએ અચાનક હુમલો કરી દીધો હતો. જૂની અદાવતના કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. આ હુમલામાં વસીમને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

હોસ્પિટલના બિછાનેથી યુવકે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેના પર હુમલો કરનાર 'નાયકા ગેંગ'ની મહિલાઓ હતી. યુવકના દાવા મુજબ, આ મહિલાઓએ માત્ર માર જ નથી માર્યો પરંતુ તેની પાસેથી 5 હજાર રૂપિયાની રોકડ અને સોનાના ચેનની લૂંટ પણ ચલાવી છે.

ભોગ બનનાર યુવકે તંત્ર સામે રોષ ઠાલવતા ચીમકી આપી છે કે, જો આ હુમલો કરનાર મહિલાઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તે આગામી સમયમાં આત્મવિલોપન કરશે. હાલમાં પોલીસ આ મામલે વાયરલ વીડિયો અને યુવકના નિવેદનના આધારે વધુ તપાસ ચલાવી રહી છે. (વિડીયો : કિંજલ કારસરીયા, જામનગ)

(7:10 PM IST)