News of Thursday, 2nd April 2026
’શિલ્પ-સ્થાપત્યનું કલાધામ-શામળાજી’પૂણ્યતિર્થ ગુજરાતના શામળાજી આસપાસના કલા વૈભવને આલેખતા પુસ્તકનો આસ્વાદ
અંબાજી અને માઉન્ટ આબુ જતા રસ્તામાં આવતું શામળાજી તીર્થનું સ્થાપત્ય અદ્દભૂત, વિશ્વકર્માજીએ જાતે આ મંદિર બનાવ્યું હોવાની કથા, નજીકમાં ત્રિલોકેશ્વર મહાદેવ મંદિર પણ ઐતિહાસિક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : અંબાજી અને માઉન્ટ આબુ જતાં રસ્તામાં આવતું શામળાજી ભાવિકો અને શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું તીર્થ ધામ છે. શામળાજીનું સ્થળ પુરાણોમાં ગદાધર ક્ષેત્રને નામે પ્રસિદ્ધ છે પરંતુ શિલ્પ સ્થાપત્ય અને કલાના અભ્યાસુઓ માટે એક પાઠશાળા સમાન છે.શામળાજીનું મંદિર આપણી સાંસ્કૃતિક ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠુ છે. આ ભવ્ય મંદિરની અજોડ સ્થાપત્યકલા જોઈ લાગે કે તે માનવ નિર્મિત નહી પરંતુ ઇશ્વરદત હશે. શામળાજી વિશે એવું કહેવાય છે કે પૃથ્વી ઉપરના સ્વર્ગસમી આ ભૂમિ પર વિશ્વકર્માએ આ મંદિર રાતોરાત ઊભું કર્યું હતું પણ પછી પરોઢ થઈ જતાં તેઓ તેને સ્વર્ગમાં ઉપાડી લઈ જઈ શક્યા નહીં! અને આપણા માટે અપૂર્વ શિલ્પ-સ્થાપત્યનો ખજાનો છોડી ગયા. તીર્થનો આ મહિમા લોકહૃદયમાં પસારવાની આ અનોખી રીત છે. અજંતા, ઈલોરા, મોઢેરા, હળેબીડ, ભુવનેશ્વર, દ્વારિકા વગેરે સ્થાપત્ય લોકજીભે તો તે પ્રમતત્વ નિર્મિત જ હોવાનું કહેવાય છે. પ્રકૃતિ સૌંદર્યથી આભૂષિત અને શિલ્પ-સ્થાપત્યથી કલાધામ શામળાજીની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિગતો જાણવા-માણવા જેવી છે.
અમદાવાદના કેન્સર સર્જન ડો આશિષ દવે દર વર્ષે ડિસેમ્બરમાં અંબાજીના દર્શને જાય છે ત્યારે તેમનો મુકામ શામળાજી નક્કી હોય છે. તેમનું કહેવું છે ’મને દર સાલ અહીં કંઇક નવું જ જોવા મળે છે.’
આ મંદિરની શિલ્પ કોતરણી કે કંદોરાઓ, દેવ-દેવતાઓ, માનવીઓ અને અનુચરોની વિવિધ છટા વ્યક્ત કરતી અસંખ્ય સુંદર મોટી મૂર્તિઓ છે. કંદોરામાં તમામ હાથીઓની પેઠે ઉપલા ભાગે આવેલી લગભગ તમામ મૂર્તિઓ કાળક્રમે ઓછીવત્તી ખંડિત થઇ છે, છતાં તેનું કલા લાલિત્ય મનમોહક છે, જે કલાપારખુંઓને ખેંચી રાખે છે. આ મંદિરની પશ્ચિમની દીવાલ પર તાંડવ નૃત્ય કરતા ગણેશજીની મૂર્તિ વિશેષ ધ્યાનપાત્ર છે. ગણેશની આવી મૂર્તિ કદાચ જવલ્લે જ જોવા કે સાંભળવા મળે છે. તેમનો પ્રસન્નવદન ભાવ, દૂંદાળા દેવના શરીરનું સંતુલન અને સૂંઢનો ગાનમય મરોડ બારીકાઈથી કંડારાયાં હોવાના કારણે તેના દર્શન નયનરમ્ય છે.
પ્રવેશદ્વારને બાદ કરતાં અન્ય ત્રણ બાજુની દીવાલો પર સૂંઢથી લડતા હાથીઓનાં જોડકાં જાણે કે બે મગદળો મસ્તી કરતા હોય તેવો તેમના ભારે પગનો, લબડતા હોઠનો ને ઝીણી આંખનો ભાવ શિલ્પકારોએ એવા શાંત અને એકચિત્તે કંડારીને ગણનાયકના ચહેરાને ગમ્મતના ભાવથી ભર્યાનું સ્પષ્ટ દેખાય છે.
સુરતના કલાતીર્થ દ્વારા ગુજરાતની સમૃધ્ધ શિલ્પ સ્થાપત્ય, ચિત્ર કલા કે માટી કલા, લિંપણ કે ભીંત ચિત્રોના વિવિધ પ્રદેશો કે પ્રાંતોના કલા ઉપાસકોએ દાયકા કે સદીઓ પહેલા સર્જેલી કૃતિઓને વિણી વિણીને લોકાભિમુખ બનાવવા અને આ કલા વૈભવના સંવર્ધન માટે પ્રસંશનીય કાર્ય હાથ ધર્યું છે. બીજા અર્થમાં કહીએ તો કલાસાગરને ઉલેચીને તેમાંથી મોતી કાઢનાર મરજીવાનું કામ કરી રહ્યા છે.
કલાના એક સાધકની જેમ ગુજરાતના ખુણે ખાંચરે જેવી છે તેવી સ્થિતિમાં સચવાયેલી બેનમૂન કલા કૃતિઓને ઉલેચવા અને ભાવિ પેઢી માટે ગ્રંથસ્થ કરવા માટે જાત ઘસી રહેલા કલાતીર્થ ટ્રસ્ટના કર્તાહર્તા શ્રી રમણીક ઝાંપડિયા અને વિમલા ઠક્કરે શામળાજીની કલાત્મક તવારિખી કલાકૃતિઓને આવરી લેતું ’શિલ્પ-સ્થાપત્યનું કલાધામ-શામળાજી’ પુસ્તક સંપાદિત કરી આપણા સહુ સમક્ષ પ્રસ્તુત કર્યું છે. ટ્રસ્ટની કલાભિમુખ દ્રષ્ટીને અભિવ્યકત કરતું આ ૩૩મું પુસ્તક છે.
શામળાજી મંદિરની ઝીણામાં ઝીણી કલાત્મક બાબતોને વર્ણવતા આ પુસ્તકમાં જણાવાયું છે કે મંદિરના મુખ્ય મંડપની વચ્ચોવચ્ચ પ્રણત ભાવે બિરાજમાન માનવરૂપ ગરુડની મૂર્તિના મસ્તિષ્ક, ડોક, બાજુબંધ અને કાંડા તથા પગે વીંટળાયેલા ચાપલ્યના પ્રતીકરુપ સર્પોનાં લળેલાં મુખ, તેના સ્પર્શથી ધન્યતાની અનુભૂતિ કરાવે છે. ગરુડના અને સ્કંધ પર વિશાળ પાંખોનો બોજ ઉઠાવી બેઠેલાં ગરુડ સૃષ્ટિને સાક્ષી ભાવે નીરખતાં ઈષ્ટદેવ વિષ્ણુ પ્રતિ અનિમેષ નજરે નિહાળતા જોવા મળે છે. મંદિરની અંદરના મંડપની છતમાં સોળ પાંખડીવાળા ખીલેલા પદ્મની રચનાવાળી અને વચમાંથી ઝુમ્મરની જેમ લટકતી કોતરણીવાળી છત મનમોહક છે. છતના બહિર્વર્તુળમાં આવેલી સાડા ચાર ફૂટની એ સોળે મૂર્તિઓ અંગભંગિ અને તેના હાવભાવની મુદ્રા એકમેકથી સ્વતંત્ર છે. આ મૂર્તિઓમાંની એક કૃષ્ણની અને આઠેક મૂર્તિઓ મંજીરા, મૃદંગ, વાંસળી, વીણા, ઢોલ વગેરે વાદ્યોમઢી તો ત્રણ-ચાર નૃત્યભાવની સ્થિતિમાં છે.
શિલ્પકલાના, હિંદુ મૂર્તિવિધાનના ઉત્તમ નમૂનારૂપ મંદિરના ગર્ભદ્વારમાં આવેલી શ્રી શામળાજીની, શ્યામ લાલજી કૃષ્ણની સુંદર મૂર્તિ કેસરસ્નાન વખતનું મૂર્તિનું સ્વરૂપ ભક્તોને શ્રધ્ધાભાવથી ભરી ભક્તિ સિંચે છે. આ મૂર્તિ ડાકોર કે દ્વારકામાંની કૃષ્ણની મૂર્તિ કરતાં વધુ મોટી છે. કમરનો વળાંક અને ત્રિભંગિ અતિ સમર્થ કલાકારની હસ્તકલા અને દ્રષ્ટીનું નિદર્શન રજૂ કરે છે.
અહીં મળી આવતાં અનેક શિવમંદિરોના અવશેષો પરથી જણાય છે કે કોઇક કાળે અહીં શિવપૂજાનું અતિ મહાત્મ્ય હશે. ગદાધર-મહાત્મ્યમાં પણ શિવભક્તિના ઉલ્લેખો જોવા મળે છે.
શામળાજીની આસપાસનાં ઘણાં મંદિરો લાલ રેતિયા પથ્થરથી બંધાયેલાં છે, તો કેટલાકમાં ઈંટનો ઉપયોગ થયેલો છે. શામળાજીના જૂના મંદિરના નામે ઓળખાતા મંદિરની અંદરની છત તથા વિશ્રામઘાટ પર આવેલા રઘુનાથજીના મંદિરની છત અને ’હરિશ્ચંદ્રની ચોરી' નામે ઓળખાતી જગ્યાએ હાલ ઊભેલા પથ્થરના તોરણની કલાકારીગરી આપણા કલાકારોની કલાનો સૌરભ પ્રસારે છે.
વિશ્રામઘાટ પાસે લોકજીભે “કળશીનાં છોકરાંની માઈના નામે ઓળખાતી એક મૂર્તિ ખરેખર કયા દેવતાની છે તે અકળ છે. આ પ્રકારની મૂર્તિ હિંદુ પરંપરામાં કોઈ જગ્યાએ જોવા મળી નથી. કોઈ તેને વિરાટ સ્વરૂપ તો કોઈ તેને અનંતબ્રહ્મા કહે છે. આ મૂર્તિના હાથ ખંડિત હોવા છતાં આઠ હાથ જોઈ શકાય છે. ચાર શિર્ષ છે. પીતાંબર પહેરેલું સ્પષ્ટ દેખાય આવે છે. મૂર્તિએ પોતાના ખભા અને માથે ઊંચકી હોય એવી ઢબે બીજી લગભગ ચોવીસ જેટલી નાની મૂર્તિઓ તેના શિરોભાગને વીંટળાઈ વળેલી જોઇ શકાય છે. મુખ્ય મૂર્તિએ મોટાં કુંડળ, કંઠાભરણ, રત્નખચિત શિરોવેશ ધારણ કરેલાં છે. મુખનો ભાગ ભગ્નાવસ્થામાં છે, પણ અપ્રતિમ પૌરુષની અદા તેના વિશાલ વક્ષઃસ્થલ પરથી સ્પષ્ટ વરતાય છે. આ મૂર્તિ છઠ્ઠી સદીની હશે એવું અનુમાન છે.
આ મંદિરના પાછળ મંડપમાં સાગરપેટા ઋષિ અગસ્ત્યની એક ખંડિત મૂર્તિ છે. શામળાજીના ડુંગરોમાંથી મળી આવેલી બીજી અનેક મૂર્તિઓ અત્યારે હિંમતનગરના પુરાતત્ત્વ સંગ્રહાલયમાં છે. હાલ આ સંગ્રહાલય હિંમતનગરથી અકળ કારણોસર મુંબઈ સ્થળાંતરીત થયું છે. તેમાં અતિ પ્રાચીન અને વિરલ એવી માતા ચામુંડા, ઊભેલા ગણેશજી, ભીલડી (પાર્વતી)ની, અને વીરભદ્ર વગેરેની મૂર્તિઓ છઠ્ઠી-સાતમી સદીની છે. આ પુસ્તકના પાના જેમ જેમ ઉઘાડતા જાઓ તેમ તેમ અવનવી માહિતીનો ખજાનો મળ્યાની અનુભૂતિ થાય છે. શામળાજી મંદિરની બાજુમાં આવેલા ત્રિલોકેશ્વરના મંદિરમાં ઊભેલી ત્રિશૂળધારી શિવની મૂર્તિ, નદી પરના રણછોડરાયજીના મંદિરના ચોકમાં વિરાટકાય નંદીની પાષાણ પ્રતિમા કલાપ્રાચુર્ય ધરાવે છે, મંદિરની પાછળની દીવાલે સ્થાપિત કરેલી શિવની બે સુંદર મૂર્તિઓ પૈકી એક પ્રતિમાના એક હાથમાં ત્રિશૂળ છે, બીજા હાથમાં ખોપરીવાળો દંડ છે, ત્રીજો હાથ છાતી આગળ છે, તે વડે ખપ્પર પકડેલું છે અને ચોથા હાથની મુદ્રા ખપ્પરમાંથી કંઈ ઉપાડી છાંટતા હોય તેવું દર્શાવે છે. આખી પ્રતિમા નૃત્યમય અને તેની લકિરો સંગીતમય છે. પ્રતિમાના પગ પાસે નંદી છે. એનું મુખ, આંખો ને પૂંછડીનો શાંત ભાવ પ્રસન્ન ભાવ પેદા કરે છે. બીજી પ્રતિમાનો મુખ ભાગ અખંડ હોઈ, તે પરના સહજ તટસ્થ ભાવનો અભ્યાસ કરવા જેવો છે. ત્રિશૂળથી અસુરને વીંધી નાખ્યા પછી પણ મુખ પર નથી ક્રોધ કે નથી આનંદ છતાં વિજય અને કૃતકૃત્યતાના ભાવથી છાતી તંગ ખેંચાયેલી છે. કમરથી છાતી પર થઈને જટાના છેડા સુધી જતો વળાંક કલામય લાગે છે!
ડુંગરમાળાઓને અડીને આવેલા તળાવની બાજુનો ઘાટ પથ્થરથી બાંધેલો દેખાય છે. શામળાજી તરફની પાળ પર ટેકરાના આકાર તથા ઈંટોના ઢગલા વગેરે પરથી આખી પાળ એક વખત નાનાં-મોટાં મંદિરોની હારમાળાથી શોભતી હશે એવું માનવા પ્રેરે છે. અહીંયાં મળી આવતી ઈંટો પણ પંદર ઇંચ લાંબી, દસ ઇંચ પહોળી અને ચાર ઇંચ જાડી તથા તેથી વધતું ઓછું માપ ધરાવે છે. ઈંટોના ઢગ તથા ખંડિત અવશેષો આ ક્ષેત્રમાં ચારે બાજુ વેરાયેલા છે. કેટલાંયે ખેતરોમાં હળ ફરે છે, તો કોઈવાર નાનીમોટી મૂર્તિઓ કે કોતરોમાંથી પથ્થરો કે સિક્કાઓ મળી આવે છે. શામળાજી મુખ્ય મંદિરની મૂર્તિ પણ આવી જ રીતે એક ખેતરમાં મળી આવેલી છે. મોડાસા અને શામળાજીની વચમાં આવેલા ગામ ટીટોડીના સુંદર જૈન દેવાલયમાં પધરાવેલી પાર્શ્વનાથની મૂર્તિ પણ અહીંના જ એક ખંડેરમાંથી મળી આવી હતી.
આ સ્થળ અતિ પ્રાચીન અને નૈસર્ગિક સૌંદર્ય અતિ મનોહર છે. સ્થાપત્યકલાથી ગુજરાત સમૃધ્ધ હોવા છતાં સરકાર કે મંદિરોના તંત્રવાહકોએ આ તરફ જરુરી નજર કરી નથી. ગુજરાતના ઈતિહાસવિદો, પુરાતત્ત્વવિદો શામળાજીના કલા સ્થાપત્યના કલા ઈતિહાસને ઉજાગર કરશે એવી મીઠી ટકોર સાથે આ પ્રદેશ આજે પણ રાહ જોઈ રહ્યો છે. આ પુસ્તકના લેખનથી લઇ સંપાદન અને પ્રકાશન સુધીના વ્યાયામોમાં આંગળી અડાડવાનું પૂણ્ય પ્રાપ્ત કરી ગુજરાતના અદભૂત કલા વારસાના જતન માટે ચિંતિત સહુ અભિનંદનના વરસોવરસ અધિકારી રહેશે. ફક્ત કલાભાવકો જ નહી આપણા ધાર્મિક સ્થળો આસપાસ ગુંથાયેલા ઇતિહાસને જાણવા ઉત્સુક સહુ કોઇએ આ પુસ્તક વાંચવું જોઇએ. સુખદાનંદની વાત એ છે કે કલાતીર્થના તમામ પુસ્તકો અંગ્રેજીમાં તૈયાર કરી દુનિયાના અનેક દેશોમાં મોકલવામાં આવે છે. ફરી રમણિકભાઇ અને તેમની ટીમને અભિનંદન.
*વિશેષ અહેવાલ: યજ્ઞેશ આચાર્ય, ભાવનગર, રજૂઆત: વિનોદ ગાલા, ભુજ.*
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
